<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

દેશની પ્રથમ બુલેટ ટ્રેનમાં ૮ કોચ, ૫૫૭ મુસાફરોની ક્ષમતા

૨૮૦ કિમી પ્રતિ કલાકની મહત્તમ ટેસ્‍ટ સ્‍પીડ, ૨૪૯ કિમીની ઝડપે, નિયમિત સંચાલન થશેઃ દિવ્‍યાંગ મુસાફરો માટે વિશેષ સવલતો

મુંબઈ-અમદાવાદ હાઈસ્‍પીડ રેલ કોરિડોર માટે દેશની પ્રથમ સ્‍વદેશી બુલેટ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. બેંગલૂર સ્‍થિત બીઈએમએલ (BEML) પ્‍લાન્‍ટમાં નિર્માણ પામી રહેલી આ ટ્રેનને ભારતીય હવામાન અને દેશની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. આ ટ્રેનની મહત્તમ ટેસ્‍ટ સ્‍પીડ ૨૮૦ કિમી પ્રતિ કલાક અને નિયમિત સંચાલન દરમિયાનની ઝડપ ૨૪૯ કિમી પ્રતિ કલાક રહેશે. આશરે સ૦૨ મીટર લાંબી આ ટ્રેનમાં કુલ આઠ કોચ હશે. તેમાં ચાર મોટર કાર અને ચાર ટ્રેલર કારનો સમાવેશ થાય છે. એક સાથે કુલ ૫૫૭ મુસાફરો મુસાફરી કરી શકશે.

આઠમાંથી સાત કોચ સ્‍ટાન્‍ડર્ડ ક્‍લાસના અને એક કોચ એક્‍ઝિક્‍યુટિવ ક્‍લાસનો હશે. દિવ્‍યાંગ મુસાફરો માટે બે વિશેષ બેઠકોની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવશે. બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુવિધા અને આરામને ધ્‍યાનમાં રાખીને અનેક આધુનિક વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. તેમાં આરામદાયક બેઠકો સાથે પગ લાંબા કરીને બેસી શકાય તેવી પૂરતી જગ્‍યા, સામાન રાખવા માટે રેક્‍સ અને મોટા બેગ માટે અલગ સ્‍ટેન્‍ડ હશે. મોબાઈલ ફોન અને લેપટોપ ચાર્જ કરવા માટે પાવર સોકેટની સુવિધા પણ ઉપલબ્‍ધ રહેશે. દરેક સીટની હરોળ પાસે પહોળી બારીઓ હશે. કોચમાં એલઈડી લાઇટિંગ અને આધુનિક બાયોડાઈજેસ્‍ટર ટોઈલેટ લગાવવામાં આવશે.

મુસાફરોને એલસીડી ડિસ્‍પ્‍લે મારફતે હિન્‍દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં જરૂરી માહિતી આપવામાં આવશે. ટ્રેનમાં જાહેરાત પ્રણાલી ઉપરાંત કટોકટીની સ્‍થિતિમાં મુસાફરો ટ્રેનના કર્મચારીઓ સાથે સીધો સંપર્ક કરી શકે તેવી વ્‍યવસ્‍થા પણ હશે.

વાઈ-ફાઈની મદદથી મુસાફરો અગાઉથી લોડ કરવામાં આવેલી મનોરંજન સામગ્રીનો પણ આનંદ માણી શકશે. દિવ્‍યાંગ મુસાફરો સરળતાથી ટ્રેનમાં ચઢી-ઊતરી શકે તે માટે ખાસ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. ટ્રેનના ફલોરની ઊંચાઈ પ્‍લેટફોર્મની સપાટી જેટલી જ રાખવામાં આવી છે, દરવાજા પર ઓટોમેટિક ફૂટસ્‍ટેપ્‍સ હશે, જેથી ટ્રેનમાં પ્રવેશ અને બહાર નીકળવામાં સરળતા રહે. વ્‍હીલચેરનો ઉપયોગ કરતા મુસાફરો માટે પહોળા દરવાજા અને વિશેષ ટોઇલેટની સુવિધા હશે. દ્રષ્ટિહીન મુસાફરોની સુવિધા માટે બ્રેઇલ લિપિમાં માહિતી આપતાં બોર્ડ પણ લગાવવામાં આવશે.

ટ્રેનના દરેક કોચમાં બે એચવીએવી (HVAV) યુનિટ લગાવવામાં આવશે. આ યુનિટ બહારના તાપમાન પ્રમાણે કોચની અંદર ઠંડક અને ભેજનું યોગ્‍ય પ્રમાણ જાળવી રાખશે. ટ્રેનમાં અવાજનું પ્રમાણ ઘટાડવા માટે કોચની બોડી અને ફલોરમાં સાઉન્‍ડ ઇન્‍સ્‍યુલેશનની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. ટ્રેનનો આગળનો ભાગ પણ ખાસ એરોડાયનેમિક ડિઝાઈનથી તૈયાર કરવામાં આવ્‍યો છે, જેથી વધુ ઝડપે દોડતી વખતે તેમજ સુરંગમાં પ્રવેશ કરતી વખતે હવાના દબાણ અને અવાજની અસર ઓછી થાય. આમ, ભારતની પ્રથમ સ્‍વદેશી બુલેટ ટ્રેન માત્ર હાઈસ્‍પીડ પરિવહનનું નવું માધ્‍યમ જ નહીં, પરંતુ મુસાફરોની સુરક્ષા, આરામ અને સુવિધાઓને ધ્‍યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતું આધુનિક રેલવે મોડેલ પણ બની રહેશે.

(9:57 AM IST)