તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
કેન્દ્રની ભાજપ સરકારના ૧૨ વર્ષના શાસનમાં દેશની શિક્ષણ વ્યવસ્થા પૂરેપૂરી ઠપ્પ થઈ ગઈ હોવાનો મલ્લિકાર્જુન ખડગેનો સણસણતો આક્ષેપ: દેશભરમાં ૯૪,૦૦૦થી વધુ શાળાઓને તાળા વાગી ગયા, પેપર લીક અને ભરતી કૌભાંડોથી દેશના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બન્યું હોવાનો કૉંગ્રેસ પ્રમુખનો દાવો
ઉચ્ચ શિક્ષણનું ખાનગીકરણ કરીને સામાન્ય અને ગરીબ પરિવારોથી શિક્ષણ છીનવી લેવાયું, RSS સમર્થિત લોકોનો શૈક્ષણિક સંસ્થાઓ પર કબજો તથા પરીક્ષાઓમાં સતત ગડબડો સામે કૉંગ્રેસ હવે યુવાનો માટે ‘એજ્યુકેશન-ટુ-એમ્પ્લોયમેન્ટ’ રોડમેપ તૈયાર કરશે

નવી દિલ્હી: દેશમાં શિક્ષણ અને રોજગારીની પ્રવર્તમાન સ્થિતિને લઈને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની મોદી સરકાર સામે ચોંકાવનારા આક્ષેપો કરીને તીખો પ્રહાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે છેલ્લા ૧૨ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન દેશની આખી શિક્ષણ પ્રણાલીને પંગુ અને બરબાદ કરી દેવામાં આવી છે. દેશની નવી પેઢીના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે અને યુવાનો ગંભીર નિરાશાના ઝંઝાવાતમાં હોમાઈ રહ્યા છે.
ખડગેએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે એક તરફ નવી શાળાઓ શરૂ કરવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે તાજેતરના વર્ષોમાં દેશभरમાં ૯૪,૦૦૦ જેટલી સરકારી શાળાઓ કાયમ માટે બંધ થઈ ગઈ છે. શિક્ષણ ક્ષેત્રે અંધાધૂંધ ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ઉચ્ચ શિક્ષણ સામાન્ય, ગરીબ અને વંચિત વર્ગના પરિવારો માટે પહોંચ બહારનું બની ગયું છે. આ ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા છીનવીને ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા લોકોને બેસાડી દેવામાં આવ્યા હોવાનો તેમણે ગંભીર આરોપ મૂક્યો હતો.
યુવા વર્ગની મુશ્કેલીઓનો ચિતાર આપતા કૉંગ્રેસ પ્રમુખે ઉમેર્યું હતું કે દેશના શિક્ષિત યુવાનો આજે પેપર લીક, સંગઠિત ભરતી કૌભાંડો અને પરીક્ષાના પરિણામો તેમજ નીતિ-નિમણૂકોમાં થતા વિલંબથી પીડાઈ રહ્યા છે. યુવાનોમાં વધી રહેલો રોષ એ કોઈ એક દિવસનું પરિણામ નથી પરંતુ સરકારની સતત ઉદાસીનતા અને અસ્થાયી ઉકેલો લાવવાની નીતિનું પરિણામ છે. સંસદના સત્ર દરમિયાન શિક્ષણ અને પરીક્ષાઓની ગડબડો અંગે ચર્ચા કરવાથી વડાપ્રધાન અને ગૃહમંત્રી ભાગતા રહ્યા હતા.
આ પરિસ્થિતિ સામે કૉંગ્રેસ પક્ષ યુવાનોના અધિકારો માટે આગળ આવશે અને દેશના યુવાધન માટે ટૂંક સમયમાં જ એક સ્પષ્ટ, વ્યાપક અને સમયબદ્ધ ‘એજ્યુકેશન-ટુ-એમ્પ્લોયમેન્ટ’ (શિક્ષણથી રોજગાર) રોડમેપ તૈયાર કરશે. કૉંગ્રેસનો આ સંઘર્ષ માત્ર સત્તા મેળવવા માટે નથી પરંતુ બંધારણનું રક્ષણ કરવા અને દેશના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેનો છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
