News of Wednesday, 25th November 2026
દેશના અસંતુષ્ટ રાજકીય નેતાઓ અને ભારતને નબળું જોવા ઇચ્છતી વિદેશી તાકાતો વચ્ચે ગઠબંધન રચવાના પ્રયાસો:SIRનાનામે દેશને ગેરમાર્ગે દોરવાનું કોંગ્રેસનું ષડયંત્ર:ડૉ. સંબિત પાત્રા
લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે ભાજપા સાંસદ ડૉ. સંબિત પાત્રાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું :કોંગ્રેસના શાસનમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક વડાપ્રધાન કરતા હતા, મોદી સરકારે પસંદગી સમિતિમાં વિપક્ષને સ્થાન આપ્યું :ડૉ. સંબિત પાત્રા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, આજે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત પ્રમુખ નાગરિક ગોષ્ઠી સમિતિ દ્વારા રાજકોટ ખાતે ભાજપા સાંસદ ડૉ. સંબિત પાત્રાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ડૉ. સંબિત પાત્રાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના કેટલાક રાજકીય નેતાઓને એ વાત સ્વીકાર્ય નથી કે સામાન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિ પણ દેશનું નેતૃત્વ કરી શકે અને એક પરિવારની બહારના લોકો પણ સત્તામાં આવીને દેશની સેવા કરી શકે. આ જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહેલી ભારતની પ્રગતિ કેટલીક વિદેશી તાકાતોને પણ પસંદ નથી. દેશના અસંતુષ્ટ રાજકીય નેતાઓ અને ભારતને નબળું જોવા ઇચ્છતી વિદેશી તાકાતો વચ્ચે ગઠબંધન રચવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ તાકાતો દ્વારા સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ સહિતની સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા પર વિદેશી મંચો પરથી સવાલો ઉઠાવવામાં આવે છે અને ભારતના લોકતંત્રને બદનામ કરવાનો પ્રયાસ થાય છે. કેટલાક નેતાઓ વિદેશી નેતાઓને ભારતમાં આવીને લોકતંત્ર બચાવવા આમંત્રણ આપે છે. નાગરિકોએ આવા આક્ષેપોની પાછળનું સત્ય સમજીને દરેક વિષયના મૂળ સુધી પહોંચવું જોઈએ.
ડૉ. પાત્રાએ SIR પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, બંધારણના અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી પંચને ચૂંટણી પ્રક્રિયાના સંચાલન અને મતદાર યાદીની શુદ્ધતા જાળવવાની સત્તા પ્રાપ્ત છે. શુદ્ધ મતદાર યાદી વગર નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. SIR કોઈ નવી પ્રક્રિયા નથી, પરંતુ દેશમાં અત્યાર સુધી 12 વખત હાથ ધરવામાં આવી છે, જેમાં 1952, 1957, 1961, 1965, 1967, 1984, 1987-89, 1992-93, 1995, 2002-03, 2004 અને 2025નો સમાવેશ થાય છે. આમાંથી 10 વખત કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વર્ષ 2002-04ની પ્રક્રિયાની શરૂઆત ભાજપ સરકારના સમયમાં થઈ હતી, પરંતુ તેનું પરિણામ યુપીએ સરકારના કાર્યકાળમાં આવ્યું હતું. લગભગ બે દાયકાના અંતરાલ બાદ 2025માં ફરી SIR હાથ ધરાઈ છે. કોંગ્રેસના શાસનમાં યોગ્ય અને ભાજપના શાસનમાં ખોટી, આવી બેવડી રાજનીતિ ચલાવી શકાય નહીં. વિપક્ષ દ્વારા 13 કરોડ મતોની ચોરીના આક્ષેપો કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, જ્યારે SIRમાં ASDDની ચાર કેટેગરી હેઠળ ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવામાં આવે છે. BLO દ્વારા મતદારોના ઘરે ત્રણ વખત મુલાકાત લેવામાં આવે છે. ગેરહાજર મતદારો ફોર્મ નંબર-6 ભરીને ERO સમક્ષ પોતાનું નામ ફરી નોંધાવી શકે છે. તેમના જણાવ્યા મુજબ અંદાજે 3 કરોડ ગેરહાજર, 12 કરોડ સ્થળાંતરિતમાંથી 6 કરોડ નવા સ્થળેથી ફોર્મ-6 ભરનારા અને બાકીના 6 કરોડ 80 લાખની પ્રક્રિયા ચાલુ છે; આશરે 2 કરોડ 80 લાખ મૃત્યુ પામેલા મતદારોનાં નામ દૂર કરાયાં છે અને 1 કરોડ ડુપ્લિકેટ નામોની ઓળખ કરીને નોટિસની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફોર્મ-6 અને ડુપ્લિકેટ નામોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આંકડામાં ફેરફાર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં મૃત્યુ પામેલા લોકોનાં નામ જાળવી રાખવાના પ્રયાસો તથા આવા મતોના આધારે ચૂંટણી જીતવાના આક્ષેપો કરતાં તેમણે મમતા બેનર્જી પર પણ પ્રહાર કર્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત BLOની કામગીરી પર નજર રાખવા દરેક રાજકીય પક્ષ પોતાના બૂથ લેવલ એજન્ટ (BLA) નિયુક્ત કરે છે. દેશમાં તમામ પક્ષોના મળીને અંદાજે 35 લાખ BLA કાર્યરત છે, જેમાં ભાજપ સિવાયના પક્ષોના આશરે 20 લાખ BLAનો સમાવેશ થાય છે. જો ખરેખર મતચોરી થઈ હોય તો કોંગ્રેસના BLAએ મતદાર યાદીની કામગીરી દરમિયાન ફરિયાદ કેમ ન કરી? વિદેશમાં જઈને આક્ષેપો કરવાને બદલે કોંગ્રેસે પોતાના BLAની કામગીરીનો જવાબ આપવો જોઈએ. ફોર્મ નંબર-6 સાથે ડિક્લેરેશન ફોર્મ જોડવાના મુદ્દે પણ વિપક્ષ દ્વારા ખોટી રજૂઆત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ મુદ્દે હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી સુનાવણી થઈ હતી અને 27 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટે SIR પ્રક્રિયા તેમજ ફોર્મ નંબર-6 સાથે જોડાયેલા ડિક્લેરેશનને યોગ્ય ગણ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 19 ફેબ્રુઆરી 2025ના રોજ પદભાર સંભાળે તે પહેલાં ભાજપ 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીઓ જીતી ચૂક્યું હતું અને કોંગ્રેસ 56 ચૂંટણીઓ હારી ચૂકી હતી. તેમણે તમિલનાડુમાં 59 વર્ષ, બિહારમાં 36 વર્ષ, પશ્ચિમ બંગાળમાં 49 વર્ષ, ઉત્તર પ્રદેશમાં 37 વર્ષ, ત્રિપુરામાં 33 વર્ષ અને ઓડિશામાં 26 વર્ષથી કોંગ્રેસની સરકાર ન હોવાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસની હાર માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવાના વલણ સામે સવાલો ઉઠાવ્યા હતા.
ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે તેમણે જણાવ્યું હતું કે, 1953થી 2023 સુધી વડાપ્રધાનના નેતૃત્વમાં ચાલતી વ્યવસ્થા કોંગ્રેસ અને યુપીએના શાસનમાં પણ અમલમાં હતી. વર્ષ 2023માં મોદી સરકારે ચૂંટણી કમિશનરોની પસંદગી માટે નવી વ્યવસ્થા બનાવી, જેમાં સિલેક્શન કમિટીમાં વિપક્ષના નેતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે વર્ષ 2012માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના કાર્યકાળમાં વી.એસ. સંપતની ચૂંટણી કમિશનર તરીકે થયેલી નિમણૂકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જ્ઞાનેશ કુમારના કાર્યભાર સંભાળતાં પહેલાં જ કોંગ્રેસ અનેક ચૂંટણીઓ હારી ચૂકી હતી. વિપક્ષને પોતાની રાજકીય ચિંતા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશની ચિંતા છે. તેમણે સ્પષ્ટપણે દાવો કર્યો હતો કે એક પણ મતની ચોરી થઈ નથી અને ભારતનું લોકતંત્ર તથા બંધારણ મતની ચોરી થવા દેશે નહીં. ભારતમાં મતદાન કરવાનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને છે, બાંગ્લાદેશી ઘૂસણખોરોને નહીં અને જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી ઘૂસણખોરોનો એક પણ ખોટો મત પડવા દેવામાં આવશે નહીં. આ સાથે તેમણે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 26 નવેમ્બરને ‘સંવિધાન દિવસ’ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડૉ. સંબિત પાત્રાએ કોંગ્રેસના બંધારણ અને બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર પ્રત્યેના વલણ અંગે પણ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પંડિત જવાહરલાલ નહેરૂના કહેવાથી કોંગ્રેસે વર્ષ 1952ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં બોમ્બે નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા બાબાસાહેબ આંબેડકર સામે તેમના પૂર્વ સહાયક નારાયણ રાવને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં બાબાસાહેબને 1,23,576 અને નારાયણ રાવને 1,38,137 મત મળ્યા હતા, એટલે કે 14,561 મતથી બાબાસાહેબનો પરાજય થયો હતો. બાબાસાહેબે ચૂંટણી પંચને પત્ર લખીને 74 હજાર બેલેટ પેપરની ગણતરી ન થઈ હોવા સહિતની ગેરરીતિઓ અંગે ફરિયાદ કરી હતી. બાબાસાહેબ સાથે થયેલા આ અન્યાયનો ઉલ્લેખ કરતાં તેમણે કટાક્ષ કર્યો હતો કે, જે કોંગ્રેસ પર બાબાસાહેબના મતોની ચોરી કરવાનો આક્ષેપ છે, તે જ કોંગ્રેસ આજે વોટચોરીના નામે દેશને ગેરમાર્ગે દોરી રહી છે. SIR અંગેના આક્ષેપો પાછળનું સત્ય સમજવા, ભારતની સંવૈધાનિક સંસ્થાઓ અને લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ જાળવવા તથા મતદાર યાદીની શુદ્ધીકરણ પ્રક્રિયા અંગેની સાચી માહિતી વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવા તેમણે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, રાજકોટ મહાનગર અધ્યક્ષ માધવભાઈ દવે, ભાજપા અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, ધારાસભ્યઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
