<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

રામ મંદિર નિર્માણના નામે ભ્રષ્ટાચારનો ખેલ? ટ્રસ્ટના વરિષ્ઠ અધિકારી પર 40% કમિશન માંગવાનો નિવૃત્ત એન્જિનિયરનો સનસનીખેજ આરોપ!

અયોધ્યામાં વિવાદના વંટોળ: કોન્ટ્રાક્ટરોના બિલમાં વધારો કરીને કમિશન ઉઘરાવવાનો આક્ષેપ, ટ્રસ્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામસામે

 અયોધ્યા:ભવ્ય રામ મંદિરના નિર્માણકાર્ય વચ્ચે અયોધ્યામાંથી એક અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ સમાચાર સામે આવ્યા છે. મંદિર સંકુલના બાંધકામની દેખરેખ રાખનાર નિવૃત્ત એન્જિનિયર દીનાનાથ વર્માએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રા પર સીધા ભ્રષ્ટાચારના આરોપો લગાવતા ખળભળાટ મચી ગયો છે.

શું છે આખો મામલો?

નિવૃત્ત એન્જિનિયર દીનાનાથ વર્માના દાવા મુજબ, ટ્રસ્ટની ઓફિસ બિલ્ડિંગના બાંધકામ સમયે એલ્યુમિનિયમના કામ માટે રોકાયેલા એક કોન્ટ્રાક્ટર પાસે 40 ટકા જેટલું મોટું કમિશન માંગવામાં આવ્યું હતું. વર્માનો આક્ષેપ છે કે આ કમિશનની રકમ વસૂલવા માટે પ્રોજેક્ટનો અંદાજ અને બિલ ખોટી રીતે વધારી દેવામાં આવ્યા હતા. વર્માએ એવો પણ દાવો કર્યો છે કે તેમણે આ બાબતે ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય સમક્ષ ઓડિયો રેકોર્ડિંગ પણ રજૂ કર્યા હતા, પરંતુ તેના બદલે તેમને પ્રોજેક્ટ પરથી જ હટાવી દેવામાં આવ્યા હતા.

કોન્ટ્રાક્ટર અને ટ્રસ્ટે આરોપોને ફગાવ્યા

જોકે, બીજી તરફ આ આરોપોને નિરાધાર ગણાવતા કોન્ટ્રાક્ટર રવિ ગુપ્તાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે આ તમામ વાતો પાયાવિહોણી છે. રવિ ગુપ્તાએ કહ્યું કે, "કોઈ પણ તબક્કે કમિશનની કોઈ ચર્ચા થઈ નથી." તેમણે વર્માને પડકાર ફેંક્યો છે કે જો તેમની પાસે કોઈ નક્કર પુરાવા હોય, તો તેઓ જાહેરમાં રજૂ કરે. આ સાથે જ મંદિરના મહંત શશિકાંત દાસે પણ આ સમગ્ર વિવાદથી પોતાને અલિપ્ત રાખતા જણાવ્યું કે તેમણે ટ્રસ્ટને કેમ્પ ઓફિસ માટે મકાન મફતમાં આપ્યું હતું અને તેમને કોઈ પણ પ્રકારની કમિશન કે બાંધકામની લેવડદેવડ વિશે જાણકારી નથી.

ટ્રસ્ટની મૌન ધારણ કરવાની નીતિ

આ સનસનીખેજ આક્ષેપો બાદ હવે સૌની નજર ટ્રસ્ટના સત્તાવાર જવાબ પર ટકેલી છે. હાલ સુધી ટ્રસ્ટ દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. શું આ આક્ષેપો માત્ર અફવા છે કે પછી રામ મંદિર નિર્માણના પવિત્ર કામમાં ખરેખર કોઈ ગરબડ થઈ છે, તે તપાસનો વિષય છે.

(8:31 PM IST)