<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

પંજાબમાં રાજકીય ભૂકંપ: મુખ્યમંત્રી ભગવંત માનની કેમ્પ ઓફિસ અને OSDના નિવાસસ્થાને CBIના દરોડા!

ટ્રાન્સફર-પોસ્ટિંગ અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે ચંદીગઢથી પંજાબ સુધી દરોડા : ભગવંત માને કહ્યું- "ભાજપ જનતાના પ્રેમથી ડરીને એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે."

ચંદીગઢ: પંજાબના રાજકારણમાં આજે તે સમયે મોટો ભૂકંપ આવ્યો જ્યારે CBIની ટીમે મુખ્યમંત્રી ભગવંત માનની કેમ્પ ઓફિસ તેમજ તેમના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી  રાજબીર સિંહ ખુમાણના નિવાસસ્થાને અચાનક દરોડા પાડ્યા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં કથિત ગેરરીતિઓની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશના ચોવીસ કલાકની અંદર જ આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન સીબીઆઈના અધિકારીઓએ કેમ્પ ઓફિસમાં રાખવામાં આવેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ફાઈલોની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી, જેનાથી સરકારી વર્તુળો અને આમ આદમી પાર્ટી માં ભારે હલચલ મચી ગઈ છે.

સીબીઆઈની આ કડક કાર્યવાહી પર તીખી પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, "ભાજપે પંજાબ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંજાબ સરકાર અને મને બદનામ કરવા માટે હવે ED અને CBI નો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવશે. ભાજપ પંજાબની જનતા તરફથી મળી રહેલા પ્રેમના વરસાદથી ડરી ગઈ છે." જોકે, બીજી તરફ વિપક્ષી પક્ષ શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ આ કાર્યવાહીનું સ્વાગત કરતાં તેને ભ્રષ્ટાચારના ખેલના અંતની શરૂઆત ગણાવી હતી.

આ સમગ્ર વિવાદ આઈએએસ અને આઈપીએસ  અધિકારીઓની બદલીઓ, પોસ્ટિંગ તેમજ સરકારી ટેન્ડરોમાં કથિત દખલગીરી અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે. અગાઉ ઈડી દ્વારા પંજાબના ડીજીપીને પત્રો લખીને સીએમના OSD રાજબીર સિંહ ખુમાણ, નીતિન ગોહલ અને બીર દેવિન્દર સામે એફઆઈઆર  નોંધી કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. એજન્સીઓનો આરોપ છે કે મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાયેલા લોકો અધિકારીઓની બદલીનું મોટું રેકેટ ચલાવી રહ્યા હતા. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે, ત્યારે સીબીઆઈના દરોડાએ પંજાબના રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો છે.

(9:56 PM IST)