<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

COP31નો ફિયાસ્‍કોઃ સૌથી લાંબી ક્‍લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના રદઃ વૈશ્વિક મહાસત્તાઓ આમને-સામને

કોલસો, તેલ અને ગેસના ઉપયોગ પર કાપ મૂકવાની સ્‍પષ્ટ પ્રતિબદ્ધતાના અભાવે યુરોપિયન યુનિયન અને નાના ટાપુ દેશોએ અંતિમ ડ્રાફટને ફગાવી દીધો : વર્ષ ૨૦૦૯ પછી પ્રથમ વખત સંયુક્‍ત રાષ્‍ટ્રની વાર્ષિક પર્યાવરણ પરિષદ નિષ્‍ફળ જતાં ક્‍લાઈમેટ ફાઈનાન્‍સ અને પળથ્‍વીના ભવિષ્‍ય પર ગંભીર સંકટના વાદળો ઘેરાયા

અંતાલ્‍યા, તા.૨૩: વિશ્વભરમાં સતત વધી રહેલા તાપમાન અને જળવાયુ પરિવર્તનના ગંભીર સંકટ વચ્‍ચે તુર્કીના અંતાલ્‍યા ખાતે યોજાયેલી સંયુક્‍ત રાષ્‍ટ્રની  COP31 ક્‍લાઈમેટ સમિટ એક ઐતિહાસિક નિષ્‍ફળતા સાથે સમાપ્ત થઈ છે. ૨૦ નવેમ્‍બરે પૂર્ણ થનારી આ બેઠકમાં સહમતી સાધવા માટે સમયમર્યાદા બે દિવસ લંબાવવામાં આવી હતી, જેના કારણે તે યુએનના ક્‍લાઈમેટ ઈતિહાસનું સૌથી લાંબું સંમેલન બન્‍યું હતું. આમ છતાં, વૈશ્વિક નેતાઓ વચ્‍ચે કોઈ નક્કર કરાર થઈ શકયો ન હતો. વર્ષ ૨૦૦૯ના કોપનહેગન સંમેલન બાદ પ્રથમ વખત એવું બન્‍યું છે કે આટલી મોટી વૈશ્વિક ક્‍લાઈમેટ સમિટ કોઈપણ અંતિમ સમજૂતી વિના જ રદ કરવી પડી હોય, જે પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે.

આ સમગ્ર વિવાદનું મુખ્‍ય કેન્‍દ્ર  એટલે કે કોલસો, તેલ અને ગેસનો ઉપયોગ ઘટાડવાનો મુદ્દો રહ્યો હતો. સમિટના પ્રારંભિક ડ્રાફ્‌ટમાં ઊર્જા ક્ષેત્રમાંથી અશ્‍મિભૂત ઇંધણ તાત્‍કાલિક ઘટાડવાની સ્‍પષ્ટ વાત હતી, પરંતુ સાઉદી અરેબિયાના નેતળત્‍વ હેઠળના તેલ ઉત્‍પાદક દેશો અને રશિયાના આકરા વિરોધ બાદ અંતિમ પ્રસ્‍તાવમાંથી આ શબ્‍દો જ હટાવી દેવામાં આવ્‍યા હતા. તેના બદલે માત્ર ઓછા ઉત્‍સર્જન જેવી નબળી ભાષાનો ઉપયોગ થતાં યુરોપિયન યુનિયન, બ્રિટન, નોર્વે, પનામા અને નાના ટાપુ દેશો ભડકી ઉઠ્‍યા હતા અને આ પ્રસ્‍તાવને નકારી કાઢયો હતો. આ ઉપરાંત, વિકાસશીલ દેશોને ૨૦૩૦ સુધીમાં જરૂરી ૫.૧થી ૬.૮ ટ્રિલિયન ડોલરના ક્‍લાઈમેટ ફાઈનાન્‍સ અને કાર્બન કેપ્‍ચર ટેકનોલોજી મુદ્દે પણ કોઈ નવી નાણાકીય જાહેરાત ન થતાં મડાગાંઠ વધુ ગંભીર બની હતી.

આ મહાસંમેલનમાં ભારતે પોતાનું વલણ સ્‍પષ્ટ કરતાં પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ અમનદીપ ગર્ગે જણાવ્‍યું હતું કે, ક્‍લાઈમેટ એક્‍શનનો અમલ સમાનતા અને વિકસિત દેશો દ્વારા અપાતી આર્થિક-ટેકનિકલ સહાયના સિદ્ધાંતો પર જ આધારિત હોવો જોઈએ. જોકે, મુખ્‍ય સમજૂતી નિષ્‍ફળ ગઈ હોવા છતાં જસ્‍ટ ટ્રાન્‍ઝિશન અને એડેપ્‍ટેશન ફંડ જેવા કેટલાક મુદ્દાઓ પર અલગથી નિર્ણયો લેવાયા છે. હવે આ અધૂરી રહેલી ચર્ચાઓને આગળ વધારવા માટે જૂન ૨૦૨૭માં જર્મનીના બોન ખાતે બેઠક મળશે, અને ત્‍યારબાદ નવેમ્‍બર ૨૦૨૭માં ઇથિયોપિયાના અદિસ અબાબા ખાતે COP32  યોજાશે, જ્‍યાં ફરી એકવાર વિશ્વને બચાવવા માટે સર્વસંમતિ સાધવાનો કપરો પડકાર રહેશે.

(3:37 PM IST)