તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
"કુલીની પુત્રી આજે પ્રધાનમંત્રી છે" : ત્રિનિદાદના PM કમલા બિસેસરનો ભારતીયોની મજાક કરનારાઓને જવાબ
ભારતીયોને 'કુલી' કહેવા પર કમલા બિસેસરે કહ્યું – મને શરમ નહીં, ગર્વ છે કે એક નાનકડી કુલી છોકરી આજે ત્રિનિદાદની PM છે, વિદેશ મંત્રી જયશંકરના સ્વાગત કાર્યક્રમમાં આપ્યો સણસણતો જવાબ

પોર્ટ ઓફ સ્પેન, તા. 11 : ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કમલા પર્સાદ-બિસેસરે ભારતીય મૂળના લોકોને 'કુલી' કહીને મજાક ઉડાવનારાઓને સણસણતો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરના સ્વાગતમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા કમલા બિસેસરે કહ્યું કે, "ત્રિનિદાદમાં ભારતીયોને આજે પણ કેટલીક જગ્યાએ 'કુલી' કહીને બોલાવવામાં આવે છે. મને તેમાં કોઈ શરમ મહેસૂસ થતી નથી. મને ગર્વ થાય છે કે આજે એક નાનકડી કુલી છોકરી ત્રિનિદાદની પ્રધાનમંત્રી છે". ત્રિનિદાદમાં 'કુલી' શબ્દ અપમાનજનક માનવામાં આવે છે, જે ગિરમીટિયા મજૂરો માટે વપરાતો હતો.
પોતાના સંબોધનમાં કમલા બિસેસરે વધુમાં કહ્યું કે અમારા ભારતીય પૂર્વજોએ પ્રાચીન ભારતીય સભ્યતા, ભાષાઓ અને સંસ્કૃતિને સાચવી રાખી છે. તેમણે કહ્યું કે અમારી ભારતીય ઓળખને ખતમ કરવાના ઘણા પ્રયાસો થયા, તેમ છતાં અમારા પુરખોએ પોતાની તહજીબને બચાવી રાખી. ત્રિનિદાદમાં લગભગ 45 ટકા લોકો ભારતીય મૂળના છે.
'બિહારની દીકરી'થી ત્રિનિદાદના PM સુધીની સફર
કમલા પર્સાદ-બિસેસર ત્રિનિદાદ અને ટોબેગોના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. તેમના પૂર્વજો 1880ના દાયકામાં ગિરમીટિયા મજૂર તરીકે બિહારના બક્સર જિલ્લાના ભેલુપુર ગામથી ત્રિનિદાદ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં ત્રિનિદાદની મુલાકાત દરમિયાન તેમને 'બિહાર કી બેટી' કહીને સંબોધિત કર્યા હતા. કમલા બિસેસર 2010થી 2015 અને ફરીથી મે 2025થી દેશના વડાપ્રધાન પદે છે.
2012માં કમલા બિસેસરે બિહારના ભેલુપુર ગામની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, "હું આજે જે કંઈ પણ છું, તે મારા પૂર્વજોને કારણે છું. તે મારા જિનેટિક મેક-અપ અને DNAમાં છે". તેમણે ઉમેર્યું હતું કે તેમના પૂર્વજો એવા સમયે દેશ છોડીને ગયા જ્યારે કોઈ સેલફોન કે સોશિયલ નેટવર્કિંગ ન હતું, વાંચતા-લખતા પણ આવડતું ન હતું, છતાં તેઓ પોતાની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે લઈ ગયા હતા.
કમલા બિસેસરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને ભારતીય મૂળના લોકોમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
