તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
વૈવાહિક બળાત્કારને ગુનાહિત ઠેરવવાનું કામ સંસદનું છે, કોર્ટનું નહીં: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની સ્પષ્ટ રજૂઆત
૩ અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરાશે: 'લગ્નનો અર્થ સ્ત્રીની સ્વતંત્રતાનો અંત નથી' જસ્ટિસ બાગચીનું મહત્વનું અવલોકન

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં વૈવાહિક બળાત્કાર ને ગુનાહિત જાહેર કરવાની માંગ કરતી અરજીઓ પર બુધવારે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ધારદાર દલીલ કરતા જણાવ્યું હતું કે, વૈવાહિક બળાત્કારને ગુનાહિત ઠેરવવો કે નહીં તે અંગે નિર્ણય લેવાનો કારોબારી અને સંસદ (વિધાયિકા) નો અધિકાર ક્ષેત્ર છે, ન્યાયતંત્રનો નહીં. સામે પક્ષે, ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ મામલે ૩ અઠવાડિયા પછી બુધવાર અને ગુરુવારે અંતિમ સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ ટિપ્પણી કરી હતી કે લગ્નનો અર્થ સ્ત્રીની સ્વતંત્રતાનો અંત નથી. તેમણે ઉમેર્યું કે સંમતિ વિના સબંધ બાંધવા મજબૂર કરાયેલી મહિલા ચોક્કસપણે પીડિત છે, અને કોર્ટ પીડિતોનું રક્ષણ કરશે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે તે બે મુખ્ય પાસાઓ પર વિચાર કરશે: પ્રથમ, શું વૈવાહિક બળાત્કાર માટે મુક્તિ હોવા છતાં કેસ દાખલ કરી શકાય છે, અને બીજું, શું આ કાનૂની મુક્તિ બંધારણીય રીતે માન્ય છે કે નહીં.કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં વૈવાહિક બળાત્કારને અલગથી ગુનો બનાવવાનો વિરોધ કર્યો છે. સરકારના મતે આને ગુનાહિત ઘોષિત કરવાથી વૈવાહિક સંબંધોની સ્થિરતા અને લગ્ન સંસ્થા પર ગંભીર અસર પડી શકે છે. આવા કિસ્સાઓને બળાત્કાર ગણવાને બદલે હાલના અન્ય કાનૂની જોગવાઈઓ (જેમ કે ઘરેલું હિંસા કાયદો) હેઠળ જ ઉકેલવા જોઈએ.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
