<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ચંદ્રશેખર આઝાદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો: યુટ્યુબર અજીત ભારતીને દિલ્હી હાઈકોર્ટનો મોટો આંચકો, SC-ST એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં આગોતરા જામીન ફગાવ્યા

પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો હોવાનું નોંધી હાઈકોર્ટે અરજી અગ્રાહ્ય ઠેરવી, નગીના બેઠકના સાંસદ વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ નોંધાઈ હતી FIR

નવી દિલ્હી, તા.૨૪: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે જાણીતા યુટ્યુબર અજીત ભારતીને એક મોટા કાનૂની આંચકામાં આગોતરા જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. 'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ' (SC/ST Act) હેઠળ નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં ભારતી દ્વારા કરવામાં આવેલી અરજીને કોર્ટે કાયદેસર રીતે વિચારણાને પાત્ર (Maintainable) ન ગણીને ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ સૌરભ બેનર્જીની બેન્ચે સખત અવલોકન કર્યું હતું કે અરજદાર વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ જ ગંભીર ગુનો બને છે.

આ સમગ્ર વિવાદ ઉત્તર પ્રદેશની નગીના લોકસભા બેઠકના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદ વિશે અજીત ભારતી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીઓ સાથે જોડાયેલો છે. આ ટિપ્પણીઓ સામે આવ્યા બાદ યુટ્યુબર વિરુદ્ધ SC/ST એક્ટની વિવિધ સખત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેનાથી બચવા માટે તેમણે ધરપકડ સામે રક્ષણ અને આગોતરા જામીનની માંગ કરી હતી.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે ભારતી વિરુદ્ધ SC/ST એક્ટની કલમ ૩(૧)(r) અને ૩(૧)(s) હેઠળ કેસ દાખલ થયેલો છે. આ કલમો જાહેર સ્થળે અથવા માધ્યમ પર જ્ઞાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરીને કે જાણીજોઈને અનુસૂચિત જાતિ અથવા જનજાતિના સભ્યને અપમાનિત કરવા અને ડરાવવા-ધમકાવવા સાથે સંબંધિત છે. અદાલતે ચુકાદામાં નોંધ્યું હતું કે SC/ST એક્ટની જોગવાઈઓ અનુસાર જ્યારે પ્રથમ દ્રષ્ટિએ ગુનો સાબિત થતો હોય ત્યારે કાયદાકીય રીતે આગોતરા જામીન આપી શકાય નહીં.

(5:41 PM IST)