તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
મુંબઈની આશુરા શોભાયાત્રામાં ૧૫,૦૦૦ લોકોને ઝેર આપવાનું કાવતરું નિષ્ફળ, શખ્સની ધરપકડ
બીબીએ ગ્રેજ્યુએટ આરોપીએ ‘ઈમ્યુનિટી બૂસ્ટર’ના નામે વહેંચી હતી ઝેરી કેપ્સ્યુલ્સ, ૧૧ લોકો બીમાર પડતા સતર્ક સ્વયંસેવકોએ પાઠવ્યો જેલના સળિયા પાછળ

મુંબઈ : મુંબઈના બાયકુલામાં શુક્રવારે મોહરમની શોભાયાત્રા દરમિયાન આશુરાના દિવસે હજારો લોકોને મોતને ઘાટ ઉતારવાનું એક ભયાનક કાવતરું પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. ફૈયાઝ પ્રેમજી નામના બીબીએ ગ્રેજ્યુએટ શખ્સે ભીડનો લાભ લઈને ‘ઈમ્યુનિટી બૂસ્ટર’ અને ‘પેઈનકિલર’ હોવાનું કહીને ઝીંક ફોસ્ફાઇડયુક્ત ઝેરી ગોળીઓ વહેંચતા ૧૧ લોકો બીમાર પડ્યા હતા, જે બાદ ત્રણ સતર્ક મહિલા સ્વયંસેવકોની સમયસૂચકતાને લીધે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીએ જે કેપ્સ્યુલ્સમાં ઝેરી રસાયણ ભર્યું હતું, તે ઉંદરના ઝેરમાં વપરાતું ઘાતક મિશ્રણ છે. ઘટનાસ્થળેથી પોલીસે ૧૪,૯૦૦ જેટલી ઝેરી ગોળીઓનો જથ્થો જપ્ત કર્યો છે. ડીસીપી જયંત મીણાના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે તે દિવસે આશુરાના સરઘસમાં સામેલ ૧૫,૦૦૦ જેટલા લોકોને મારવા માંગતો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપીએ ૩૦,૦૦૦ ખાલી કેપ્સ્યુલ અને ૫૦ કિલો ફોસ્ફરસનો ઓર્ડર આપ્યો હતો, જે તેના ઈરાદાની ગંભીરતા દર્શાવે છે.
પ્રેમજીના વિદેશ પ્રવાસના ઈતિહાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય થઈ છે, કારણ કે તે અગાઉ ઈરાન અને ઈરાકની મુલાકાત લઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. પીડિત સલમાન સૈયદ સહિતના ૧૧ અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેઓ હાલ ખતરાની બહાર છે. જાહેરનામા અને લાઉડસ્પીકર દ્વારા લોકોને ગોળીઓ ન ખાવા અપીલ કરવામાં આવી હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી.
હાલમાં પોલીસે આરોપીના કેપ્સ્યુલના સ્ટોકને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. આ ગંભીર કૃત્ય પાછળ કોઈ મોટું આતંકવાદી સંગઠન કે અન્ય ષડયંત્ર છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આરોપીની કડક પૂછપરછ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
