<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ઇટાલીમાં ભારતીય દૂતાવાસને બદનામ કરવાનું કાવતરું? વાયરલ વીડિયોના દાવાઓને એમ્બેસીએ ગણાવ્યા 'બનાવટી', પાસપોર્ટ બતાવવાના મામલે થયો હંગામો

મદદ ન મળતી હોવાનો આરોપ લગાવનાર શખ્સે સુરક્ષા પ્રોટોકોલ તોડવાનો કર્યો પ્રયાસ; દૂતાવાસે સ્પષ્ટ કર્યું - "ઓળખ બતાવવાનો ઇનકાર કરનારને એન્ટ્રી ન મળી શકે"

રોમ, તા.23: ઇટાલીમાં સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિવાદાસ્પદ વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપી છે. એક ભારતીય નાગરિક દ્વારા દૂતાવાસ પર મદદ ન કરવાનો જે આરોપ લગાવવામાં આવ્યો હતો, તેને એમ્બેસીએ સત્તાવાર રીતે "ખોટા અને પાયાવિહોણા" ગણાવીને ફગાવી દીધા છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે આ શખ્સ પોતે જ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે જ્યારે તે મુશ્કેલીના સમયે મદદ માંગવા દૂતાવાસ ગયો ત્યારે અધિકારીઓએ તેને સહકાર આપ્યો ન હતો. જોકે, દૂતાવાસે આ બાબતે સત્ય સામે રાખતા જણાવ્યું કે, તે વ્યક્તિ દૂતાવાસના પરિસરમાં આવ્યો ત્યારે અધિકારીઓ તેને મળવા માટે સંપૂર્ણ તૈયાર હતા. પરંતુ, જ્યારે સુરક્ષા પ્રોટોકોલ મુજબ તેને તેની ઓળખ અથવા પાસપોર્ટ બતાવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો.

દૂતાવાસે તેના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, કોઈપણ આંતરરાષ્ટ્રીય મિશનમાં સુરક્ષાના ધોરણો ખૂબ જ કડક હોય છે અને ઓળખની ચકાસણી કર્યા વગર કોઈને પણ પ્રવેશ આપવો જોખમી હોઈ શકે છે. દૂતાવાસે વધુમાં ઉમેર્યું કે તેઓ ઇટાલીમાં વસતા તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા અને મદદ માટે 24 કલાક પ્રતિબદ્ધ છે અને સમુદાય સુધી પહોંચવા માટે સતત પ્રયાસો કરે છે. સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સરકારી સંસ્થાઓને નિશાન બનાવવાની આ ઘટનાની હાલ ભારે ચર્ચા થઈ રહી છે.

 

(3:36 PM IST)