<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ઇરાની સંસદ અધ્યક્ષ ગાલિબાફની હત્યાનું ષડયંત્ર: અમેરિકા-ઇરાન શાંતિ કરારને રોકવા ઇઝરાયલનું ટ્રમ્પ પર ભારે દબાણ

ઇઝરાયલ દ્વારા અમેરિકાના વહીવટીતંત્ર સમક્ષ ઇરાનની આર્થિક કરોડરજ્જુ સમાન ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘર ગાલિબાફને સૈન્ય હુમલામાં નિશાન બનાવવાની ગુપ્ત લોબિંગથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ગરમાવો

તેલ અવીવ: અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલી સીધી અને પરોક્ષ શાંતિ મંત્રણાને કાયમી ધોરણે ઠપ્પ કરવા માટે ઇઝરાયલ પડદા પાછળ ધમધમાટ ચલાવી રહ્યું હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. 'કેપિટલ એન્ડ એમ્પાયર' ના ગુપ્ત ઇન્ટેલિજન્સ અહેવાલ અનુસાર, ઇઝરાયલી વહીવટીતંત્ર ગુપ્ત રીતે યુએસ વોર ડિપાર્ટમેન્ટ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઇરાન સાથેની વાટાઘાટો તાત્કાલિક રોકવા દબાણ કરી રહ્યું છે. ઇઝરાયલની માંગ છે કે ૨૮ ફેબ્રુઆરીના ભીષણ હુમલાની જેમ જ ઇરાનના વર્તમાન મુખ્ય વાટાઘાટકાર અને સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફની હત્યા કરવામાં આવે અને ઇરાનના મુખ્ય તેલ માળખાગત ક્ષેત્રો પર નવેસરથી સૈન્ય હુમલા શરૂ કરાય, જેથી તેહરાનને આર્થિક રીતે સંપૂર્ણપણે તોડી શકાય.

આ આક્રમક દરખાસ્ત પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંમત થશે કે નહીં, તે અંગે વૈશ્વિક રાજદ્વારી સ્તરે મોટો સસ્પેન્સ સર્જાયો છે. ટ્રમ્પ પોતાના અગાઉના કાર્યકાળમાં ઇરાની કમાન્ડર કાસેમ સુલેમાની પર ડ્રોન હુમલો કરવાનો આદેશ આપી ચૂક્યા છે, જે દર્શાવે છે કે તેઓ ઇરાન સામે કડક સૈન્ય પગલાં લેવામાં અચકાતા નથી. જોકે, હાલમાં ટ્રમ્પ પોતાની છબી એક 'ડીલ મેકર' તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે અને ઇરાન સાથેના આ યુદ્ધને સમાપ્ત કરી હોર્મુઝની ફરી ખોલાવવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં ઇરાનના ટોચના નેતાની હત્યા કરવાથી મધ્ય પૂર્વમાં ભયંકર પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળવાનું જોખમ હોવાથી ટ્રમ્પ ઇઝરાયલની આ માગણી સ્વીકારતા પહેલાં સો વાર વિચાર કરશે.

બીજી તરફ, ઇરાન પણ આ સંભવિત ખતરાને લઈને અત્યંત એલર્ટ થઈ ગયું છે અને તેણે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ પોતાની નેતાગીરી પરના જીવલેણ પ્લોટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઇરાની સંસદના સ્પીકર ગાલિબાફે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઇઝરાયલ દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને કોઈ પણ પ્રકારની હિંમત કરવામાં આવશે, તો ઇરાન તરફથી તેનો વળતો પ્રહાર અત્યંત ક્રૂર અને વિનાશક હશે. જો ઇઝરાયલ પોતાના આ પ્રપંચમાં સફળ થાય છે અને વાટાઘાટો તૂટે છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડ સ્તરે વધી જશે, જેની સીધી અને આકરી અસર સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી શકે છે.

(10:24 PM IST)