News of Thursday, 26th November 2026
કોંગ્રેસનું એક અબૂધ બાળક સંવિધાનની લાલ નકલ લઈને ફરે છે:કોંગ્રેસનો ઇતિહાસ વારંવાર બંધારણના અપમાન અને દુરુપયોગનો છે: કોંગ્રેસે હંમેશા બાબાસાહેબનું અપમાન કર્યું:જે.પી. નડ્ડા
દરેક નાગરિકને સમાન તક, દરેક પરિવારને સન્માનભર્યું જીવન અને છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ પહોંચાડવો એ જ સંવિધાનના મૂલ્યોને સાકાર કરવાનો સાચો માર્ગ છે: ભુપેન્દ્રભાઈ પટેલ :સંવિધાનનું સાચું સન્માન એટલે છેવાડાના માનવીને સમાન તક અને સન્માનભર્યું જીવન આપવું: જગદીશભાઈ વિશ્વકર્મા :સંવિધાન ગૌરવ દિન નિમિત્તે અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિક ગોષ્ઠીનો વિશેષ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે આજે અમદાવાદના ટાગોર હોલ ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિક ગોષ્ઠીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી તથા ભાજપાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીએ ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલાની ૧૮મી વરસીએ શહીદો અને વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તે સમયે આતંકવાદ સામે કોંગ્રેસ સરકારની નિષ્ક્રિયતા દેશ માટે દુઃખદ હતી તેમ જણાવ્યું હતું. તેમણે ભારતને ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા વિશ્વના સૌથી વિશાળ અને સુંદર સંવિધાન માટે નમન કરી વંદન કર્યા અને કહ્યું કે, સંવિધાન ભારતની આત્મા અને રાષ્ટ્રની ભાવના છે. બે વર્ષ, ૧૧ મહિના અને ૧૭ દિવસની મહેનત, ૧૧ સત્રો અને ૧૬૫ દિવસની ચર્ચા બાદ તૈયાર થયેલા સંવિધાનમાં ડૉ. આંબેડકરે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના ચાર પાયાના સ્તંભો સ્થાપિત કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી શરૂ કરીને સંવિધાનના સન્માન અને તેના મૂલ્યોને જનજન સુધી પહોંચાડવાનું કાર્ય થયું છે. ડૉ. આંબેડકરે સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત, ધર્મના આધારે નહીં પરંતુ સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના આધારે અનામત તથા કલમ ૩૭૦ની અમલવારી ન થવી જોઈએ તે અંગે પણ પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. આ વિચારોને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી અને સમાન નાગરિક સંહિતાની દિશામાં પણ પહેલ થઈ રહી છે.
નડ્ડાજીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસનું એક અબૂધ બાળક સંવિધાનની લાલ નકલ લઈને ફરે છે પરંતુ કોંગ્રેસનો ઇતિહાસ વારંવાર બંધારણના અપમાન અને દુરુપયોગનો રહ્યો છે. પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કોંગ્રેસનું વિરોધી વલણ દેશે જાણવું જરૂરી છે. આંબેડકરજીને બંધારણ સભામાં ચૂંટાતા રોકવાના પ્રયાસો થયા હતા અને ૧૯૫૨ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભા રાખીને તેમને હરાવ્યા હતા. ૧૯૫૪ની ભંડારા પેટાચૂંટણીમાં પણ પંડિત નહેરુએ તેમની વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો. આંબેડકરજીના નિધન બાદ તેમના સ્મારકની દરખાસ્તને નહેરુ સરકારે સ્વીકારી નહોતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ૨૬, અલીપુર રોડ ખાતે રાષ્ટ્રીય સ્મારકનું નિર્માણ કરી વર્ષ ૨૦૧૮માં લોકાર્પણ કરવામાં આવ્યું. તેમને ભારત રત્ન પણ ૧૯૯૦માં વી.પી. સિંહની સરકાર દરમિયાન એનાયત થયો હતો, જેને ભાજપાનું સમર્થન હતું. પ્રથમ બંધારણીય સુધારો, અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના નિયંત્રણો, ૧૯૫૯માં કેરળની ચૂંટાયેલી સરકારની બરતરફી અને કલમ ૩૫૬નો વારંવાર(૯૦ થી વધુ વખત) ઉપયોગ કરીને ચૂંટાયેલી સરકારો હટાવવાના કોંગ્રેસના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ આજે સંવિધાનના રક્ષણની વાત કરે છે, પરંતુ પોતાના શાસનકાળમાં કોંગ્રેસે સંવિધાનિક મૂલ્યોનું વારંવાર અપમાન કર્યું છે. ઇન્દિરા ગાંધીના શાસનમાં કલમ ૩૫૬નો અનેક વખત ઉપયોગ કરી સરકારો બરતરફ કરવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
નડ્ડાજીએ જણાવ્યું હતું કે, ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ દેશમાં લાદવામાં આવેલી કટોકટી કોંગ્રેસનો ભારતીય લોકશાહી પરનો સૌથી મોટો પ્રહાર હતો. કટોકટી દરમિયાન હજારો લોકો અને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલવામાં આવ્યા, મીડિયાની સ્વતંત્રતા પર નિયંત્રણો લાદવામાં આવ્યા અને નાગરિક સ્વતંત્રતા છીનવવામાં આવી. તેમણે પોતાના કટોકટીના સમયના અનુભવો વર્ણવતાં જણાવ્યું કે, તેમની બે વખત વર્ગખંડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કિશોર કુમારનાં ગીતો સુધી આકાશવાણી પરથી દૂર કરવામાં આવ્યાં હતાં. ૧૯૮૪ના શીખવિરોધી રમખાણો અને રાજીવ ગાંધીના બડા પેડ ગિરતા હૈ તો ધરતી હિલતી હૈ ના વિવાદાસ્પદ નિવેદન, શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને કાયદાકીય સુધારા દ્વારા નિષ્પ્રભાવી બનાવવો તથા યુપીએ સરકાર દરમિયાન પ્રધાનમંત્રીથી પણ ઉપર સોનિયા ગાંધીના વડપણ વાળી નેશનલ એડવાઇઝરી કાઉન્સિલની શંકાસ્પદ ભૂમિકા જેવા ઉદાહરણો આપતાં તેમણે કોંગ્રેસના શાસનમાં લોકશાહી સંસ્થાઓ અને બંધારણીય મર્યાદાઓ સાથે થયેલા ચેડાં અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પોતાના પર પશ્ચિમ બંગાળમાં વર્ષ ૨૦૨૦માં થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તે ઘટનાના આરોપીઓ તાજેતરમાં પકડાયા છે અને આરોપીઓ ટીએમસી સાથે જોડાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, જે લોકો આજે સંવિધાન અને લોકશાહીની રક્ષા કરવાની વાત કરે છે, તેમણે પોતાના શાસનકાળના ઇતિહાસનો પણ જવાબ આપવો જોઈએ.
નડ્ડાજીએ વધુમાં જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશને ત્રણ મહત્વપૂર્ણ ચેતવણીઓ આપી હતી. પ્રથમ, બંધારણીય માર્ગ છોડીને અરાજકતાના માર્ગે જવું લોકશાહી માટે જોખમી છે; બીજી, કોઈ વ્યક્તિ કે પરિવારને રાષ્ટ્ર અને સંવિધાનથી ઉપર રાખવાની માનસિકતા લોકશાહી વિરોધી છે; અને ત્રીજી, કોઈપણ સંવિધાન સારું કે ખરાબ હોતું નથી, પરંતુ તેનો અમલ કરનારા લોકો તેને સારું કે ખરાબ બનાવે છે. આ સંદર્ભમાં તેમણે ૨૦૧૪ પહેલાંના શાસન અને ૨૦૧૪ પછીના શાસનની તુલના કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંવિધાનિક સંસ્થાઓનું સન્માન, રાષ્ટ્રહિત અને વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે, ત્યારે દેશની અર્થવ્યવસ્થાને મૃત ગણાવતાં રાહુલ ગાંધીના નિવેદનો વાસ્તવિકતાથી વિપરીત છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે અંતમાં કહ્યું કે, સંવિધાનનું ગૌરવ વધારવાનું, ડૉ. આંબેડકરના વિચારોને જનજન સુધી પહોંચાડવાનું અને લોકશાહીના મૂલ્યોનું જતન કરવાનું કાર્ય ભાજપા અને એનડીએ સરકાર કરી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આપણું સંવિધાન માત્ર કાયદાઓનો દસ્તાવેજ નથી, પરંતુ લોકશાહી, રાષ્ટ્રીય એકતા, સામાજિક ન્યાય અને નાગરિક ગૌરવનો આધારસ્તંભ છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ સંવિધાનનો સ્વીકાર કર્યો હતો અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી તેનો અમલ થયો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણ ઘડવૈયાઓએ સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુત્વના મૂલ્યો પર આધારિત ભારતની કલ્પના કરી હતી. આ મૂલ્યોનું જતન કરવું અને અધિકારોની સાથે મૂળભૂત કર્તવ્યોનું પાલન કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. વર્ષ ૨૦૧૫થી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાન દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ કરાવીને આ ભાવનાને જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટીના સમયગાળામાં દેશે લોકશાહી અને નાગરિક અધિકારો પર થયેલા પ્રહારનો અનુભવ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંસદમાં પ્રવેશ સમયે પગથિયે શિશ ઝુકાવીને સંવિધાન પ્રત્યે દર્શાવેલ આદર દેશની લોકશાહી વ્યવસ્થા અને સંવૈધાનિક મૂલ્યો પ્રત્યેની કટિબદ્ધતાનું પ્રતિબિંબ છે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને જનજન સુધી પહોંચાડવા આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, પંચતીર્થનો વિકાસ અને સંવિધાનને વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની પહેલ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના ૨૦૪૭ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર વિકસિત ગુજરાત ૨૦૪૭ના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. દરેક નાગરિકને સમાન તક, દરેક પરિવારને સન્માનભર્યું જીવન અને છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ પહોંચાડવો એ જ સંવિધાનના મૂલ્યોને સાકાર કરવાનો સાચો માર્ગ છે. સંવિધાન આપણું સ્વાભિમાન, લોકશાહી આપણી શક્તિ અને રાષ્ટ્રનિર્માણ આપણું કર્તવ્ય છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત તમામ બંધારણ ઘડવૈયાઓને નમન કરતાં તેમણે કહ્યું કે, સંવિધાનનું સાચું સન્માન તેના મૂલ્યોને જનજીવનમાં ઉતારવામાં છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦માં બંધારણને હાથીની અંબાડીમાં બિરાજમાન કરી ભવ્ય યાત્રા યોજી હતી અને દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ વર્ષ ૨૦૧૫થી ૨૬ નવેમ્બરને સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી હતી. આ પહેલનો હેતુ નવી પેઢી સહિત દેશના દરેક નાગરિકમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ, ગૌરવ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. સંવિધાન દરેક નાગરિકને સમાન તક અને સન્માનભર્યું જીવન આપવાનો સંકલ્પ છે.
વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની અંત્યોદયની વિચારધારા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર ધ્યાન છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં જોડવા પર કેન્દ્રિત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જ્વલા યોજના, આયુષ્માન ભારત, સ્વચ્છ ભારત મિશન અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી પહેલ દ્વારા કરોડો પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ગરીબીમાંથી આશરે ૫૦ કરોડ લોકો બહાર આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, સરકારની કામગીરીનો મૂળ હેતુ દરેક નાગરિકને સન્માનભર્યું જીવન અને સમાન તક આપવાનો છે. બીજી તરફ, કટોકટી લાદીને નાગરિક સ્વતંત્રતાઓનું હનન કરનાર અને પોતાના પક્ષના આંતરિક લોકતાંત્રિક મૂલ્યોનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા કોંગ્રેસના નેતાઓ આજે બંધારણની નકલ લઈને સંવિધાન બચાવવાની વાતો કરે છે, જે તેમના બેવડા વલણને દર્શાવે છે.
કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ શહેર ભાજપા પ્રમુખ પ્રેરકભાઈ શાહ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. કિરીટભાઈ સોલંકી, સાંસદઓ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, સંવિધાન ગૌરવ દિવસ અંગેની પ્રદેશ ટીમના ઇન્ચાર્જઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા અને પ્રદેશ મંત્રી નીરવભાઈ અમીન સહિતના આગેવાનો, ધારાસભ્યો, સામાજિક આગેવાનો, કાર્યકરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
