<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

દિલ્હીના રામલીલા મેદાન ખાતે કોંગ્રેસની રેલી પર પોલીસની આકરી શરતો: ઉશ્કેરણીજનક ભાષણ કરશો તો તુરંત બંધ થશે માઇક

આગામી પહેલી નવેમ્બરે યોજાનારી મહારેલી માટે દિલ્હી પોલીસે કડક નિયમો જારી કર્યા છે, જેમાં સુરક્ષા અને શાંતિ જાળવવાની આકરી શરતો મૂકવામાં આવી છે.

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે આગામી પહેલી નવેમ્બરના રોજ યોજાનારી કોંગ્રેસની રેલીને લઈને દિલ્હી પોલીસે અત્યંત કડક શરતો અને નિયમો જારી કર્યા છે. પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ આ મહારેલી સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી જ યોજી શકાશે અને કોઈપણ સંજોગોમાં આ નિર્ધારિત સમય મર્યાદા લંબાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આયોજકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. વક્તાઓ દ્વારા કોઈપણ પ્રકારનું ભડકાઉ, ધમકીભર્યું કે ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવશે નહીં તથા કોઈપણ જાતિ, ધર્મ કે રંગને નિશાન બનાવીને જાહેર શાંતિને જોખમાવતા નિવેદનો આપવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 

જો રેલી દરમિયાન કોઈ પણ વક્તા દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવશે, તો તરત જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે કે માઇક બંધ કરી દેવામાં આવશે અને વક્તાને સ્ટેજ પરથી હટાવી દેવાની કડક ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત, આયોજકોને રામલીલા મેદાન સિવાય અન્ય કોઈ પણ નિર્ધારિત સ્થળની બહાર સરઘસ કે કૂચ કાઢવાની પણ મંજૂરી આપવામાં આવી નથી.

 

સુરક્ષા અને ભીડના સંચાલનને ધ્યાનમાં રાખીને મેદાનના પ્રવેશદ્વાર, બહાર નીકવાના રસ્તાઓ અને મંચની આસપાસ હાઈ ડેફિનેશન સીસીટીવી (CCTV) કેમેરા તેમજ અલગ કંટ્રોલ રૂમની વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવી છે. આ સાથે જ આયોજકોએ પીવાના પાણીના ટેન્કરો, મહિલાઓ માટે અલગ શૌચાલય અને ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતા સ્વયંસેવકો તૈનાત કરવાના રહેશે તેમજ વાહનો માત્ર ટ્રાફિક પોલીસે નક્કી કરેલા સ્થળોએ જ પાર્ક કરવાના રહેશે.

 

પોલીસના નિયમો મુજબ રેલીમાં ભાગ લેનાર કોઈપણ વ્યક્તિને કાર્યક્રમ પહેલા કે પછી રામલીલા મેદાનમાં રાતવાસો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેમજ આયોજકોએ તમામ આમંત્રિત મહેમાનો, સ્વયંસેવકો અને વાહનોના રજિસ્ટ્રેશન નંબરની વિગતો અગાઉથી પોલીસને સોંપવાની રહેશે. દિલ્હી પોલીસે આ રેલી માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપ્યું છે, પરંતુ મેદાનની માલિકી ધરાવતી સત્તા પાસેથી પણ અલગથી મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.

 

આ આગામી રાજકીય રેલીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા અને ટ્રાફિક વ્યવસ્થા અકબંધ રાખવા માટે પોલીસ પ્રશાસન દ્વારા તમામ સંબંધિત વિભાગો સાથે મળીને સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાનારી આ રેલી પર દેશભરના રાજકીય વર્તુળોની વિશેષ નજર રહેશે.

(7:58 PM IST)