તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
તમિલનાડુમાં 'થલપથી' વિજયના સમર્થનમાં કોંગ્રેસની ખુલ્લી બેટિંગ: માણિકમ ટાગોરનો હુંકાર - "ભાજપને રોકવા માટે TVK સાથે જોડાવા બદલ કોઈ માફી નહીં માંગીએ"
DMK અને AIADMK વચ્ચે પડદા પાછળ ખેલાઈ રહી છે રમત? કોંગ્રેસે જૂના સાથી પક્ષ પર લગાવ્યો ગંભીર આરોપ, દક્ષિણના રાજકારણમાં ભારે ગરમાવો

ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં સર્જાયેલી રાજકીય અસ્થિરતા વચ્ચે કોંગ્રેસના સાંસદ માણિકમ ટાગોરે પક્ષના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ને સમર્થન આપવાના નિર્ણય બદલ કોંગ્રેસ કોઈ માફી માંગશે નહીં. ટાગોરે દાવો કર્યો કે TVK પ્રથમ દિવસથી જ ભાજપ વિરોધી રહી છે અને લોકોના જનાદેશને માન આપવા માટે આ જોડાણ જરૂરી છે.
તમિલનાડુમાં દાયકાઓથી ચાલી આવતા DMK અને AIADMKના વર્ચસ્વને તોડીને વિજયની પાર્ટી ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. જોકે, બહુમતી માટે જરૂરી ૧૧૮ના આંકડાથી તે હજુ દૂર છે. કોંગ્રેસની ૫ બેઠકોના ટેકા સાથે આ આંકડો ૧૧૩ પર પહોંચે છે, જે હજુ પણ મેજિક ફિગરથી ૫ બેઠક ઓછો છે. આ દરમિયાન માણિકમ ટાગોરે સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે, એક તરફ કોંગ્રેસ પર અસ્થિરતાનો આરોપ લગાવાઈ રહ્યો છે, તો બીજી તરફ DMK અને AIADMK ભાજપના આશીર્વાદથી 'બેકડોર એલાયન્સ' માટે વાટાઘાટો કરી રહ્યા છે.
આ રાજકીય ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ અને DMK ના વર્ષો જૂના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ છે. DMK એ કોંગ્રેસને 'પીઠમાં છરો ભોગવનાર' ગણાવી છે. બીજી તરફ, ડાબેરી પક્ષો (CPI અને CPM) પણ વિજયની પાર્ટીને સમર્થન આપવા અંગે વિચારણા કરી રહ્યા છે. CPI(M) અને CPI પાસે બબ્બે બેઠકો છે, જ્યારે VCK ના અધ્યક્ષ થોલ થિરુમાવલવને પણ આ અંગે હાઈ-લેવલ કમિટીની બેઠક બોલાવી છે.
રાજ્યમાં અત્યારે હાઈ-વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો છે. સુપરસ્ટાર વિજય પોતાની સરકાર બનાવવા માટે જરૂરી આંકડાકીય માળખું ગોઠવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે શનિ-રવિના દિવસો તમિલનાડુના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે. શું તમિલનાડુમાં સિનેમાના સુપરસ્ટાર સત્તાના સિંહાસન પર બિરાજશે કે પછી પરંપરાગત પક્ષો કોઈ નવો દાવ રમશે, તેના પર આખા દેશની નજર ટકેલી છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
