તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
‘બીજા પક્ષોને વિભાજિત કરનારી કોંગ્રેસ પોતે જ ભસ્માસુર છે’: રાહુલ ગાંધીના આક્ષેપો સામે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનો વિસ્ફોટક પલટવાર!
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વિભાજન અને ચૂંટણી પ્રતીક જપ્ત થવાના મામલે દેશનું રાજકારણ ગરમાયું: ભાજપ અને ઈસીઆઈ પર પ્રહારો કરનાર વિપક્ષને કડક જવાબ

નવી દિલ્હી : તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સર્જાયેલી આંતરિક ફૂટ અને ચૂંટણી પંચ (ECI) દ્વારા પક્ષનું મૂળ નામ તેમજ ‘ફૂલ અને ઘાસ’નું પ્રતીક ફ્રીઝ કરવાના નિર્ણય બાદ દેશના રાજકારણમાં મોટો ભડકો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર રાજકીય પક્ષોને તોડવાના આરોપો લગાવતા જ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સખત શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે. રિજિજુએ કોંગ્રેસને ‘ભસ્માસુર’ ગણાવતા કહ્યું હતું કે, અન્ય પક્ષોને નાશ કરવાનો અને તોડવાનો ઈતિહાસ વાસ્તવમાં કોંગ્રેસનો જ રહ્યો છે.
કિરેન રિજિજુએ નવી દિલ્હી ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "રાહુલ ગાંધી અને કોંગ્રેસ ભાજપ પર જે આરોપો લગાવી રહ્યા છે, તે ખરેખર તેમના પોતાના કાળા કામોનો આરીસો છે. કોંગ્રેસ પોતે એક એવો ‘ભસ્માસુર’ છે જે પોતાના સહયોગી અને સંપર્કમાં આવતા દરેક પક્ષને બાળીને ભસ્મ કરી દે છે." તેમણે ઉમેર્યું કે, ટીએમસી હોય કે એનસીપી, આ તમામ પક્ષો મૂળ કોંગ્રેસમાંથી જ તૂટીને બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો છે, પરંતુ તે અન્ય કોઈ પક્ષને તોડીને નહીં પરંતુ જનતાના વિશ્વાસથી બન્યો છે.
શું છે સમગ્ર વિવાદ અને ECI નો આદેશ?
તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનર્જી અને અરૂપ રોય વચ્ચે ચાલી રહેલા વર્ચસ્વના વિવાદ પર ચૂંટણી પંચે મોટો ચુકાદો આપ્યો છે. વિવાદનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી પંચે મમતા જૂથને "મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ" અને ‘ફૂટબોલ ખેલાડી’ નું પ્રતીક આપ્યું છે, જ્યારે અરૂપ રોય જૂથને "ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ" અને ‘પરબિડીયું’ પ્રતીક ફાળવ્યું છે. મૂળ પ્રતીક ‘ફૂલ-ઘાસ’ ના ઉપયોગ પર બંને જૂથો માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે.
આ નિર્ણયથી નારાજ મમતા બેનર્જીએ તેને લોકશાહીનો 'કાળો દિવસ' ગણાવ્યો હતો. આ સાથે જ મમતા બેનર્જીએ નંદીગ્રામ પેટાચૂંટણીમાં પોતાના જૂથના ઉમેદવારનું ઉમેદવારી પત્ર પાછું ખેંચાવીને કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. સામે પક્ષે રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે શિવસેના અને એનસીપી બાદ હવે ટીએમસીને તોડીને વિપક્ષી એકતા પર પ્રહારો થઈ રહ્યા છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
