<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

"કોંગ્રેસ હવે મુસ્લિમ-માઓવાદી પાર્ટી બની ગઈ છે": કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો રાહુલ ગાંધી પર પ્રચંડ પ્રહાર

આસામમાં કોંગ્રેસના ૯૮ ટકા વિજેતા ઉમેદવારો મુસ્લિમ હોવાનો ગિરિરાજ સિંહનો દાવો: ઓવૈસી અને 'વંદે માતરમ' મુદ્દે પણ વિપક્ષને આડે હાથ લીધા

બેગુસરાય: કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. બિહારના બેગુસરાયમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ હવે જૂની પાર્ટી રહી નથી, પરંતુ તે "મુસ્લિમ-માઓવાદી કોંગ્રેસ" માં ફેરવાઈ ગઈ છે. તેમણે કોંગ્રેસને પોતાનું નામ બદલી નાખવાની પણ સલાહ આપી દીધી હતી.
ગિરિરાજ સિંહે આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા પડકાર ફેંક્યો હતો કે, કોંગ્રેસ બતાવે કે શું તેના આસામમાં જીતેલા ૯૮ ટકા ઉમેદવારો મુસ્લિમ નથી? તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ માટે હવે મુસ્લિમો જ સર્વસ્વ છે અને આ પાર્ટી સનાતન ધર્મનું પાલન કરનારાઓનું અપમાન કરી રહી છે. તેમણે રાહુલ ગાંધીને 'અર્બન નક્સલ' ગણાવતા કહ્યું કે, કોંગ્રેસે હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ની જગ્યા લઈ લીધી છે.
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી દ્વારા 'વંદે માતરમ' ને રાષ્ટ્રગીત સમાન દરજ્જો આપવાના કેબિનેટના નિર્ણય સામે ઉઠાવેલા વાંધા પર પણ ગિરિરાજ સિંહે આકરો વળતો પ્રહાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "વંદે માતરમ એ ભારત માતાની પ્રાર્થના છે અને જે કોઈ ભારતમાં રહેવા માંગે છે તેણે ભારત માતાની પૂજા કરવી જ પડશે." તેમણે ઉમેર્યું કે આ દેશમાં શરિયા કાયદો ચાલશે નહીં.
આ દરમિયાન, ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ સોશિયલ મીડિયા પર વિપક્ષના દાવાઓનું ખંડન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભારતનો સમૃદ્ધ સભ્યતાનો વારસો તમામ નાગરિકોનો છે અને વંદે માતરમ એ આ વારસાનો અવિભાજ્ય ભાગ છે. ગિરિરાજ સિંહના આ નિવેદનોએ રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જગાવી છે.

(8:09 PM IST)