News of Tuesday, 20th October 2026
સંસદમાં સીમાંકન બિલ મુદ્દે કોંગ્રેસના સરકાર પર તીખા પ્રહારો: ‘મનસ્વી રીતે બિલ લાવશો તો ગૃહમાં ફરી હારનો સામનો કરવો પડશે’ - જયરામ રમેશની કડક ચેતવણી
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પત્ર પર સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુના જવાબ બાદ વિપક્ષી ખેમામાં રોષ; સર્વપક્ષીય બેઠક યોજી પારદર્શક પ્રસ્તાવ રજૂ કરવાની કરી જોરદાર માગ.

નવી દિલ્હી, તા.20: દેશમાં આગામી સમયમાં હાથ ધરાનારા સીમાંકન (Delimitation) ના અત્યંત સંવેદનશીલ મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કેન્દ્ર સરકાર સામે મોરચો મંડ્યો છે. કોંગ્રેસે સરકારને રાજકીય ચેતવણી આપતા જણાવ્યું છે કે જો સરકાર વિપક્ષ સાથે ચર્ચા કર્યા વિના મનસ્વી રીતે સીમાંકન બિલ ગૃહમાં લાવવાનો પ્રયાસ કરશે, તો તેને અગાઉની જેમ જ સંસદમાં ફરી એકવાર શરમજનક પરાજયનો સામનો કરવો પડશે.
આ સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રનો જવાબ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આપ્યો હતો. રિજિજુના જવાબ પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું સરકાર અગાઉ ફગાવી દેવાયેલા બંધારણ સુધારા બિલને ફરીથી રજૂ કરીને બે-તૃતીયાંશ બહુમતી સાથે પસાર કરાવવાનો છૂપો પ્રયાસ કરી રહી છે.
જયરામ રમેશે દાવો કર્યો હતો કે માર્ચ ૨૦૨૬ માં ગૃહમંત્રી દ્વારા કેટલીક ચર્ચાઓ દરમિયાન આપવામાં આવેલી ખાતરીઓનો ૧૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ લોકસભામાં રજૂ કરાયેલા બિલમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. પરિણામે ૧૭ એપ્રિલે લોકસભામાં મોટાભાગના રાજકીય પક્ષોએ બિલની વિરુદ્ધમાં મતદાન કરીને તેને નિર્ણાયક રીતે ફગાવી દીધું હતું. આ બાબતે તેમણે સરકારને સવાલ પૂછ્યો હતો કે શું તેમની પાસે સીમાંકન અંગે કોઈ નવો અને નક્કર પ્રસ્તાવ છે કે કેમ.
વિપક્ષી પક્ષો સતત આ મહત્વના મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગ કરી રહ્યા છે. જયરામ રમેશે ખુલાસો કર્યો હતો કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનને ચાર અને સંસદીય બાબતોના મંત્રીને બે વાર એમ કુલ છ લેખિત વિનંતીઓ કરી હોવા છતાં સરકાર સર્વપક્ષીય બેઠક યોજીને નવો પ્રસ્તાવ પારદર્શક રીતે રજૂ કરવાનો ઇનકાર કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર તમામ પક્ષોના મંતવ્યો સાંભળવાથી ભાગી રહી છે.
બીજી તરફ, હાર્વર્ડ, એમઆઈટી અને વિશ્વની ૨૭ દેશોની જાણીતી યુનિવર્સિટીઓના ૪૦૦ થી વધુ ભારતીય મૂળના સંશોધકો તથા વિજ્ઞાનીઓએ ચૂંટણી પંચ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની ટીકા કરી છે. તેમણે "અરાજકતાથી ભારતને બચાવો" શીર્ષક હેઠળના નિવેદનમાં જણાવ્યું છે કે શેરી વિરોધ પ્રદર્શનો અને અરાજકતા દ્વારા બંધારણીય સંસ્થાઓ પરનો જાહેર વિશ્વાસ નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ભારતીય લોકશાહીના ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક છે.
સીમાંકન જેવા દૂરગામી અસરો ધરાવતા મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે વધતો તણાવ અને વૈશ્વિક સ્તરે ઊભી થયેલી પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે આવનારા દિવસોમાં આ વિષય સંસદથી લઈને શેરીઓ સુધી ભારે ગરમાવો પકડશે. સરકાર હવે સર્વપક્ષીય બેઠક બોલાવે છે કે પોતાનો નવો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
