<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસના આક્રમક તેવર: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે રાજ્યભરમાં ભીષણ વિરોધ પ્રદર્શન

મતદાર યાદીઓના 'એસઆઈઆર'માં ગંભીર ગેરરીતિ અને ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાના આક્ષેપ સાથે નાગપુર, પુણે અને કોલ્હાપુરમાં શેરી સંગ્રામ: કલેક્ટર કચેરીઓ ઘેરાઈ.

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે સોમવારે રાજ્યવ્યાપી આક્રમક વિરોધ પ્રદર્શન કરીને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે અને ભારતીય ચૂંટણી પંચ (ECI) શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના એક વિંગ તરીકે પક્ષપાતી કામગીરી કરી રહ્યું છે.

 

આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પુણે, નાગપુર અને કોલ્હાપુર સહિતના મુખ્ય શહેરોમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કલેક્ટર કચેરીઓ બહાર ભારે સૂત્રોચ્ચાર કરી શેરી સંગ્રામ છેડ્યો હતો. પુણેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રશાંત જગતાપ અને વરિષ્ઠ નેતા મનોજ જોશીની આગેવાનીમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે નાગપુરના ઐતિહાસિક સંવિધાન ચોક ખાતેથી વિશાળ માર્ચ કાઢીને કલેક્ટર કચેરી તરફ કૂચ કરવામાં આવી હતી.

 

નાગપુર કોંગ્રેસના પ્રમુખ પ્રફુલ્લ ગુડધે અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ યાજ્ઞવલ્ક્ય જિચકરે માધ્યમો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનરની કામગીરી દેશની લોકશાહી અને નાગરિકોના બંધારણીય મતદાનના અધિકાર પર સીધો પ્રહાર છે. તેમણે માંગ કરી હતી કે જ્ઞાનેશ કુમારે તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. બીજી તરફ, કોલ્હાપુરમાં પણ કલેક્ટર કચેરી બહાર દેખાવો કરીને ચૂંટણી કમિશનરની ધરપકડ કરવાની વિરોધ પ્રદર્શન દરમિયાન માંગ ઉઠાવવામાં આવી હતી.

(6:28 PM IST)