તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
સરકારી કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવો એ સજા નથી કે તેનાથી કર્મચારીના ચારિત્ર્ય ઉપર કોઈ કલંક લાગતો નથી: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, છત્તીસગઢ સરકારનો નિર્ણય માન્ય
કર્મચારીની કાર્યક્ષમતા, પ્રામાણિકતા, સેવાકીય રેકોર્ડ અને વહીવટી ઉપયોગિતાનું મૂલ્યાંકન કરીને જાહેર હિતમાં નિવૃત્તિનો નિર્ણય લઈ શકાય છે: જોકે આવો નિર્ણય મનસ્વી રીતે કે માત્ર શંકાના આધારે લઈ શકાય નહીં, યોગ્ય પુરાવા, વાજબી કારણો અને નિર્ધારિત નિયમોનું પાલન જરૂરી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. ૮ : સરકારી કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે જાહેર હિતમાં નિયમો અનુસાર કોઈ કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવો એ સજા નથી કે તેનાથી કર્મચારીના ચારિત્ર્ય ઉપર કોઈ કલંક લાગતો નથી. ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખરની ખંડપીઠે છત્તીસગઢ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. આ ચુકાદો ૬ નવેમ્બરે આપવામાં આવ્યો હતો.
છત્તીસગઢ સરકારે વર્ષ ૨૦૧૭માં કાનૂની માપવિજ્ઞાન વિભાગના ૧૪ કર્મચારીઓના સેવાકીય રેકોર્ડની સમીક્ષા કરી હતી. તેમાંથી પાંચ કર્મચારીઓની કામગીરી નિયત માપદંડ કરતાં નબળી હોવાનું જણાતાં ફરજિયાત નિવૃત્તિની ભલામણ કરવામાં આવી હતી. આ નિર્ણયને પડકારનારા ચતુરસિંહ ધ્રુવ અને મનહરનલાલ સાહુની અપીલો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કર્મચારીની કાર્યક્ષમતા, પ્રામાણિકતા, સેવાકીય રેકોર્ડ અને વહીવટી ઉપયોગિતાનું મૂલ્યાંકન કરીને જાહેર હિતમાં નિવૃત્તિનો નિર્ણય લઈ શકાય છે. જોકે આવો નિર્ણય મનસ્વી રીતે કે માત્ર શંકાના આધારે લઈ શકાય નહીં. તેના માટે યોગ્ય પુરાવા, વાજબી કારણો અને નિર્ધારિત નિયમોનું પાલન જરૂરી છે.
અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું કે યોગ્ય સેવાકીય નિયમો હેઠળની ફરજિયાત નિવૃત્તિ શિસ્તભંગની કાર્યવાહી નથી. તેથી આવી નિવૃત્તિમાં બંધારણની કલમ ૩૧૧(૨) હેઠળની રક્ષણાત્મક જોગવાઈઓ આપમેળે લાગુ પડતી નથી. કર્મચારીને અગાઉ બઢતી મળી હોય તો પણ ત્યારબાદની નબળી કામગીરીનું મૂલ્યાંકન કરી શકાય છે. આ ચુકાદો સરકારી સેવાઓમાં જવાબદારી અને કાર્યક્ષમતા જાળવવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
