<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલઃ ગટર જનરેશન કહેવાનો આક્ષેપ

કોંગ્રેસે કંગના રનૌત વિરુદ્ધ સામાજિક વૈમનસ્ય ફેલાવવા બદલ કાનૂની કાર્યવાહીની માંગ કરી છે

લખનૌ:      ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવા માટે ફરિયાદ આપવામાં આવી છે. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને કંગના વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરી છે. મહિલા કાર્યકર્તાઓએ કંગના રનૌત પર Gen Z વિદ્યાર્થીઓ અને યુવાનો વિરુદ્ધ અપમાનજનક તેમજ જનભાવનાઓને ઠેસ પહોંચાડતા નિવેદનો આપવાનો આક્ષેપ કર્યો છે.

લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, નવી દિલ્હીના જંતર-મંતર પર થયેલા પ્રદર્શનના સંદર્ભમાં કંગના રનૌતે ૩૦ જુલાઈના રોજ એક જાહેર નિવેદનમાં પ્રદર્શનકારી યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, કંગના રનૌતે દેશની દીકરીઓને કથિત રીતે ગટર જનરેશન કહી હતી.

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કંગનાએ Gen Z દીકરીઓના માતા-પિતાનું પણ અપમાન કર્યું છે, અને સવાલ ઉઠાવ્યો હતો કે આમને કોણ જન્મ આપી રહ્યું છે, અને ઉછેરી રહ્યું છે?. આ માત્ર પ્રદર્શનકારીઓનું જ નહીં પરંતુ સમગ્ર નવી પેઢી, મહિલાઓ અને તેમના પરિવારનું અપમાન છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સામાજિક વૈમનસ્ય ફેલાવવા અને શાંતિ ભંગ કરવા ઉશ્કેરવા બદલ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બીજી તરફ, કંગના રનૌતે પોતાની ફિલ્મોના સીન્સનો વિરોધ પ્રદર્શન માટે ઉપયોગ કરનારા સોશિયલ મીડિયા યુઝર્સ પર નિશાન સાધ્યુ છે. તેમણે જણાવ્યું કે, આવી રીતે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે જે એક્ટિંગ માટે મને કરોડો રૂપિયા મળે છે, તેના સીન્સ વાપરીને તમે સંવેદનશીલ કિશોરોને ભટકાવી રહ્યા છો. અત્યાર સુધી મેં એક જ જગ્યાએ આટલી ગંદકી અને અભદ્રતા જોઈ નથી. આ તથાગત પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત ભારતીય મહિલાઓની નવી પેઢી છે, જેને હું ગટર જનરેશન કહું છું. કંગનાના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે.

(11:23 AM IST)