<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

થાણેમાં ગણેશોત્સવ દરમિયાન મહાપ્રસાદ બનાવવા માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ફરજિયાત: ઘરેલુ સિલિન્ડર વાપરનાર મંડળો સામે લેવાશે કડક ફોજદારી પગલાં

સબસિડીવાળા સિલિન્ડરના દુરુપયોગને રોકવા અને સુરક્ષા વધારવા તંત્રનો મોટો નિર્ણય: નિયમ તોડનાર હોદ્દેદારો સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધાવાની ચેતવણી

થાણે : ગણેશોત્સવ અને આગામી તહેવારોની મોસમમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે થાણે જિલ્લા પ્રશાસન દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન વિવિધ સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા મહાપ્રસાદ અને મોટા પાયે સામૂહિક ભોજન બનાવતી વખતે હવે માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જ ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. થાણેના સહાયક જિલ્લા પુરવઠા અધિકારી યોગેશ જાંગળેએ જિલ્લાના તમામ તહસીલદારોને પત્ર લખીને આ નિયમનું કડક પાલન કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

 

સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર અને વ્યાપક દુરુપયોગને અટકાવવા તેમજ તહેવારો ટાણે રસોઈ બનાવતી વખતે સર્જાતી આગ કે વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટનાઓનું જોખમ ઘટાડવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. અગાઉ અનેક મંડળો મોટા પાયે ભોજન બનાવવા માટે ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ કરતા હતા, પરંતુ નિષ્ણાતોના મતે ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરની ક્ષમતા, બર્નરની રચના તથા ગેસના દબાણમાં મોટો તફાવત હોવાથી મોટા પ્રમાણમાં રસોઈ વખતે તે જોખમી સાબિત થઈ શકે છે.

 

નિયમ ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહીની ચેતવણી અને ગ્રાહક સંસ્થાઓ દ્વારા સ્વાગત

 

પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે જો ઘરેલુ સિલિન્ડરના ઉપયોગ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાશે તો વીમાનો દાવો પણ નકારી શકાય છે. આ પ્રકારના ગેરકાયદે ઉપયોગને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગંભીર ગુનો ગણવામાં આવશે અને મંડળના જવાબદાર હોદ્દેદારો સામે સીધી ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા પુરવઠા અધિકારીએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને પોલીસને સંયુક્ત પરિપત્ર બહાર પાડીને મંડળોને અગાઉથી જ જાગૃત કરવા જણાવ્યું છે. ગ્રાહક દક્ષતા કલ્યાણ ફાઉન્ડેશનના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન સોળંકેએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે ધાર્મિક ઉજવણીઓ અને ઉત્સવોમાં પણ જનતાની સલામતી સાથે ક્યારેય કોઈ પ્રકારનું સમાધાન કરવું જોઈએ નહીં.

(10:54 PM IST)