<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

કોમેડી કિંગ સતીશ શાહનું સિનેમામાં અમર યોગદાન, મરણોત્તર ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત: રાષ્ટ્રપતિ ભવનમાં ગમગીન માહોલ વચ્ચે ભાઈ અરવિંદ મામાનિયાએ સ્વીકાર્યો સર્વોચ્ચ પુરસ્કાર!

‘જાને ભી દો યારો’ થી લઈને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ના ઇન્દ્રવદન તરીકે દેશભરના પરિવારોને હસાવનારા મહાન કલાકારની યાદો થઈ તાજી; ચાર દાયકા લાંબી સફર માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અપાયું સન્માન

નવી દિલ્હી : ભારતીય મનોરંજન જગત અને સિનેમા પ્રેમીઓ માટે આજનો દિવસ અત્યંત ગર્વ અને થોડી આંસુ ભરેલી યાદો લાવનારો સાબિત થયો છે. દાયકાઓ સુધી પોતાની અજોડ કોમિક ટાઇમિંગ અને ઉત્કૃષ્ટ અભિનયથી કરોડો દર્શકોના ચહેરા પર સ્મિત લાવનારા સ્વર્ગસ્થ અભિનેતા સતીશ શાહને ભારતીય સિનેમા અને ટેલિવિઝનમાં તેમના અપ્રતિમ અને વિશિષ્ટ યોગદાન બદલ મરણોત્તર (Posthumously) ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક ભવ્ય અને પ્રતિષ્ઠિત નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સતીશ શાહના ભાઈ અરવિંદ મામાનિયાએ આ સર્વોચ્ચ એવોર્ડ ખૂબ જ ભાવુક ક્ષણો વચ્ચે સ્વીકાર્યો હતો.

કલા, શિક્ષણ, રમતગમત અને અન્ય સામાજિક ક્ષેત્રોના દિગ્ગજોની યાદીમાં સતીશ શાહનું નામ આ વર્ષે પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ૨૫ ઓક્ટોબરના રોજ આ મહાન કલાકાર ફાની દુનિયા છોડીને ફાધર કીડે ચાલ્યા ગયા હતા, જેમના જવાથી ભારતીય સિનેમામાં એક મોટો શૂન્યાવકાશ સર્જાયો હતો. ચાર દાયકા એટલે કે ૪૦ વર્ષથી વધુ લાંબી કારકિર્દી ધરાવતા સતીશ શાહ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) ના સ્નાતક હતા અને અભિનયની બારીકીઓ પર તેમનો જબરદસ્ત કાબૂ હતો.

‘ઇન્દ્રવદન સારાભાઈ’ થી લઈને ‘DDLJ’ સુધીની ઐતિહાસિક સફર

સતીશ શાહે ભારતીય સિનેમાને અનેક એવી ક્લાસિક ફિલ્મો અને પાત્રો આપ્યા છે જે સદીઓ સુધી અમર રહેશે. ૧૯૮૩ ની પ્રખ્યાત વ્યંગાત્મક બ્લેક કોમેડી ફિલ્મ 'જાને ભી દો યારો' માં તેમનો અભિનય આજે પણ અભિનયના ક્લાસ તરીકે જોવાય છે. આ ઉપરાંત 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'હમ સાથ-સાથ હૈ', 'મૈં હૂં ના', 'કલ હો ના હો', 'કભી હાં કભી ના', 'ઓમ શાંતિ ઓમ' જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમના પાત્રોએ વાર્તામાં પ્રાણ પૂર્યા હતા. જોકે, ટેલિવિઝનના ઇતિહાસમાં 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' શોમાં કટાક્ષ અને રમૂજથી ભરપૂર ‘ઇન્દ્રવદન સારાભાઈ’ નું તેમનું પાત્ર દરેક ઘરની ઓળખ બની ગયું હતું.

રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારની ગરિમા

દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સ્થાન ધરાવતા પદ્મ પુરસ્કારો મુખ્યત્વે ત્રણ શ્રેણીમાં વહેંચાયેલા છે - પદ્મ વિભૂષણ (અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે), પદ્મ ભૂષણ (ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે) અને પદ્મશ્રી (કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન માટે). સતીશ શાહને મળેલો આ પદ્મશ્રી એવોર્ડ તેમના લાખો ચાહકો અને પરિવાર માટે માત્ર એક સન્માન નથી, પરંતુ એક કલાકાર તરીકે તેમની અમર કલા અને અજોડ પ્રતિભાની રાષ્ટ્રીય સ્વીકૃતિ છે.

(9:01 PM IST)