<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

કોર્ટમાં હાસ્ય કલાકારનો 'ધબડકો': સુપ્રીમ કોર્ટે યુટ્યુબર સમય રૈના પર ઝીંક્યો ₹૩ લાખનો દંડ; અહંકાર અને અવમાનના બદલ સર્વોચ્ચ અદાલત લાલઘૂમ

દિવ્યાંગોની મજાક ઉડાવવાના કેસમાં કોર્ટના આદેશોની ઐસીતૈસી કરવી ભારે પડી; "જો સમાજનો આદર કરતા નહીં શીખો, તો પરિણામ ભોગવવા પડશે" - CJI સૂર્યકાંતની કડક ચેતવણી; શોમાં 'લીંબુ-મરચાં' લટકાવવા અંગે સોલિસિટર જનરલે પણ લીધી ફિરકી

નવી દિલ્હી, તા. ૧૪: પોતાની વિવાદાસ્પદ કોમેડી અને સોશિયલ મીડિયા પર સેન્સેશનલ કન્ટેન્ટ બનાવવા માટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમિક અને યુટ્યુબર સમય રૈના (Samay Raina) ને સુપ્રીમ કોર્ટે જોરદાર ઝાટકો આપ્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓ વિશે અત્યંત સંવેદનહીન ટિપ્પણી કરવા બદલ અને અગાઉના અદાલતી આદેશોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ સુપ્રીમ કોર્ટે સમય રૈના અને અન્ય ચાર લોકોને વ્યક્તિગત રીતે ₹૩-૩ લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કલાકારોનો અહંકાર દેશના કાયદા અને નાગરિકોના ગૌરવથી મોટો હોઈ શકે નહીં.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે આ કડક આદેશ આપ્યો છે.
સોગંદનામું ખોટું, કોર્ટ સાથે છેતરપિંડી કરી: બેન્ચ
સુપ્રીમ કોર્ટ 'ક્યોર એસએમએ (SMA) ઇન્ડિયા ફાઉન્ડેશન' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ સંસ્થાએ આક્ષેપ કર્યો હતો કે સમય રૈનાએ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) જેવી ગંભીર બીમારીની સારવારના મોંઘા ખર્ચ અને દિવ્યાંગ લોકોની મજાક ઉડાવી હતી.
અગાઉ નવેમ્બર ૨૦૨૫ માં કોર્ટે રૈનાને આદેશ આપ્યો હતો કે તેમણે દિવ્યાંગોની સારવાર માટે ફંડ એકત્ર કરવા દર મહિને ઓછામાં ઓછા બે શો કરવા પડશે અને શોમાં ખાસ દિવ્યાંગ લોકોને સન્માનપૂર્વક આમંત્રિત કરવા પડશે. જો કે, સુનાવણી દરમિયાન સામે આવ્યું કે રૈનાએ કોઈપણ દિવ્યાંગ વ્યક્તિને તેના શોમાં આમંત્રિત કર્યા નહોતા.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આકરા પ્રહારો કરતા કહ્યું: "અમારી પાસે એવું માનવા માટે પૂરતા કારણો છે કે સમય રૈનાએ કોર્ટને છેતરીને આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. વાસ્તવિકતામાં કંઈ જ કર્યું ન હોવા છતાં ખોટું સોગંદનામું દાખલ કરીને ગેરવર્તણૂક છુપાવવાનો પ્રયાસ કરાયો છે. આથી અમે આગામી બે અઠવાડિયામાં ₹૩ લાખનો દંડ જમા કરાવવાનો આદેશ આપીએ છીએ."
"આ અહંકાર અને ઘમંડ છે, હું નમવાનો નથી"
અરજદાર સંસ્થા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે દલીલ કરી હતી કે રૈનાએ ક્યારેય પણ દિવ્યાંગોનો સંપર્ક કર્યો નથી. રૈનાના વકીલે બચાવમાં જણાવ્યું કે તેમણે દિવ્યાંગોના શો દ્વારા ₹૯ લાખ એકત્ર કર્યા છે. આના પર એડવોકેટ સિંહે ત્વરિત જવાબ આપ્યો, "અમને તેમની પાસેથી કોઈ પૈસા નથી જોઈતા. આ માત્ર તેમનો ઘમંડ છે."
ન્યાયાધીશ બાગચીએ લાલ આંખ કરતા રૈનાના વકીલને કહ્યું: "તમારે અરજદારના ક્લાયન્ટને શોમાં બોલાવીને કાર્યક્રમ કરવો જોઈતો હતો. હવે એવું લાગે છે કે તમે પૈસા આપીને તેમને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છો. જો તમે કમાણી માટે દિવ્યાંગતાનો વ્યવસાયિક ઉપયોગ કરો છો, તો તેમના ગૌરવના મૂળભૂત અધિકારનું શું?"
શો પરથી 'ખરાબ વાઇબ્સ' દૂર કરવા સ્ટેજ પર લટકાવે છે 'લીંબુ-મરચાં'!
સુનાવણી દરમિયાન દેશના સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ પણ સમય રૈનાના વર્તન અને અંધશ્રદ્ધા પર કટાક્ષ કર્યો હતો. એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, "આપણા દેશના યુવાનો માટે આનાથી વધુ સારા રોલ મોડેલ ઉપલબ્ધ છે. આ ભાઈ સ્ટેજ પરથી 'બેડ વાઇબ્સ' દૂર કરવા અને શો રદ ન થાય તે માટે સ્ટેજ પર 'લીંબુ-મરચાં' લટકાવે છે! તેઓ કોને નિશાન બનાવી રહ્યા છે અને શું બોલી રહ્યા છે તે અત્યંત સ્પષ્ટ છે."
સુપ્રીમ કોર્ટે અંતે ચેતવણી આપી છે કે જો આ વખતે પણ આદેશનું પાલન કરવામાં વિલંબ થયો, તો આ દંડની રકમ વધારીને ₹૩૦ લાખ કરી દેવામાં આવશે.

(5:14 PM IST)