News of Thursday, 17th September 2026
નાળિયેર-ગોળથી લઈને માવા અને કાજુ કટલી સુધી: મહારાષ્ટ્રથી ઉત્તર ભારત પહોંચતા જ બદલાઈ ગયો ગણેશજીના પ્રિય 'મોદક'નો સ્વાદ અને મિજાજ!
ઈ.સ. પૂર્વે ૨૦૦ ના પ્રાચીન ઈતિહાસથી લઈને આધુનિક ફ્યુઝન સુધી: કોંકણના પહાડોમાં જન્મેલા બાફેલા ઉકડીચે મોદક ઉત્તર ભારતમાં બન્યા ક્રિસ્પી તળેલા અને ખોયા-મેવા વાળા

નવી દિલ્હી : ગણેશોત્સવનો પવિત્ર તહેવાર નજીક આવતા જ ઘરો અને બજારોમાં એક ખાસ મીઠાઈની સુગંધ પ્રસરી જાય છે - 'મોદક'. વિઘ્નહર્તા ગણેશજીના હાથમાં શોભતો મોદક માત્ર એક નવેદ્ય કે મીઠાઈ નથી, પરંતુ શ્રદ્ધા અને સ્વાદનો એક ભવ્ય સંગમ છે. સંસ્કૃત સાહિત્ય, આયુર્વેદ અને ૧૨મી સદીના લખાણ "માનસોલ્લાસ" માં જેનો ઉલ્લેખ મળે છે તે મોદકનો ઈતિહાસ ઈ.સ. પૂર્વે ૨૦૦ જેટલો પ્રાચીન છે. પરંતુ શું તમે જાણો છો કે મહારાષ્ટ્રની પરંપરાગત રસોઈમાંથી નીકળીને જ્યારે આ મોદક ઉત્તર ભારત પહોંચ્યો, ત્યારે પ્રદેશ અને સંસ્કૃતિ બદલાતા તેનો સ્વાદ અને બનાવટ પણ સાવ બદલાઈ ગયા?
મોદકના મૂળ સ્વરૂપની વાત કરીએ તો મહારાષ્ટ્રનો અધિકૃત 'ઉકડીચે મોદક' (બાફેલો મોદક) સ્વાદપ્રિય લોકોનું હૃદય જીતી લે છે. કોંકણ કિનારે ચોખા અને નાળિયેરની વિપુલતા હોવાથી ત્યાં ચોખાના પાતળા લોટના પડમાં તાજું છીણેલું નાળિયેર, ગોળ, જાયફળ અને એલચીનું મિશ્રણ ભરીને તેને વરાળમાં બાફવામાં આવે છે. ઉપરથી શુદ્ધ દેશી ઘીની ધાર કરીને પીરસાતો આ નરમ મોદક મોંમાં મૂકતા જ ઓગળી જાય છે. જમીની પ્રદેશોમાં જ્યાં ઘઉં વધુ થતા હતા ત્યાં તેને તળીને લાંબો સમય સાચવી શકાય તેવા તળેલા મોદક બનાવવાની શરૂઆત થઈ હતી.
ઉત્તર ભારતમાં પહોંચતા જ મોદકના લોટથી લઈને તેના ફીલિંગ સુધીનું સમગ્ર ગણિત બદલાઈ ગયું છે. ઉત્તરીય પ્રદેશોમાં ચોખાના લોટને બદલે મેદો, ઘઉંનો લોટ કે ચણાનો લોટ વપરાવા લાગ્યો. નાળિયેર અને ગોળનું સ્થાન માવો (ખોયા), કાજુ, બદામ, પિસ્તા અને ખાંડે લઈ લીધું. એટલું જ નહીં, વરાળમાં બાફવાની પદ્ધતિને બાજુ પર મૂકીને મોદકને ઘીમાં તળવામાં આવે છે અથવા પેડા, બરફી અને કાજુ કટલીના મિશ્રણને મોદકનો આકાર આપીને બજારમાં વેચવામાં આવે છે. આ રીતે, સ્થાનિક ભૂગોળ અને ખાનપાનની આદતો અનુસાર ગણેશજીની આ પ્રિય વાનગી દેશભરમાં અલગ-અલગ સ્વાદ સાથે ઉજવાય છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
