તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
'કોકરોચ જનતા પાર્ટી'થી લઈને 'મેલોડી' ટોફી સુધી: આ અઠવાડિયે ઇન્ટરનેટ પર આ બે નામોએ મચાવી ધમાલ
સીજેઆઈની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલો અનોખો વિરોધ : પીએમ મોદીએ ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને ચોકલેટ આપતો વીડિયો ગુગલ ટ્રેન્ડ્સમાં ટોપ પર પહોંચ્યા

નવી દિલ્હી: ડિજિટલ દુનિયામાં ક્યારે કયો ટ્રેન્ડ વાયરલ થઈ જાય અને લોકોના માથા પર ચડીને બોલવા લાગે તે કહેવું મુશ્કેલ છે. આ અઠવાડિયે ભારતમાં ગૂગલ સર્ચ એન્જિન પર બે તદ્દન વિપરીત અને વિચિત્ર વિષયોએ લાખો નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં પહેલું નામ 'કોકરોચ જનતા પાર્ટી' અને બીજું નામ માત્ર પાંચ રૂપિયામાં મળતી 'મેલોડી' ટોફી છે. આ બંને શબ્દો ગૂગલ ટ્રેન્ડ્સ (Google Trends) માં ૧૫ મે થી ૨૨ મે વચ્ચે સર્વોચ્ચ સ્થાન પર પહોંચી ગયા હતા. સામાન્ય રીતે રાજકીય ગંભીર ચર્ચાઓથી ભરેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ અઠવાડિયે મીમ્સ, વ્યંગ અને રમૂજી વીડિયોનું પૂર આવ્યું હતું, જેણે ભારત ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ લોકોમાં ભારે ઉત્સુકતા જગાડી હતી.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે બેરોજગાર યુવાનોની સ્થિતિ અંગે એક ટિપ્પણી દરમિયાન અજાણતા તેમની સરખામણી "કોકરોચ" સાથે કરી દીધી હતી. જો કે ન્યાયાધીશે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને સંદર્ભ બહાર ખોટી રીતે રજૂ કરાયું છે, પરંતુ ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ૧૬ મેના રોજ આમ આદમી પાર્ટીના પૂર્વ રાજકીય સલાહકાર અભિજીત દીપકે આ ટિપ્પણીના વિરોધમાં પ્રતીકાત્મક રીતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નામના એક ડિજિટલ પક્ષની જાહેરાત કરી દીધી. સરકારી વ્યવસ્થા સામે કટાક્ષ કરતો આ ડિજિટલ ટ્રેન્ડ ૨૧ મેના રોજ તેની ટોચ પર પહોંચ્યો હતો, જેમાં ત્રિપુરા, દિલ્હી અને આંદામાન-નિકોબારના લોકોએ તેને સૌથી વધુ સર્ચ કર્યો હતો. આ ટ્રેન્ડ એટલો વાયરલ થયો કે યુએઈ, કતાર, કુવૈત અને નેપાળમાં પણ ગૂગલ પર આ નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસના અંતિમ ચરણ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાતનો એક અત્યંત ક્યૂટ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. પીએમ મોદીએ મુલાકાત દરમિયાન મેલોનીને ભારતની પ્રખ્યાત 'મેલોડી' ટોફી ગિફ્ટમાં આપી હતી, જેણે સોશિયલ મીડિયા પર 'મેલોડી ઇતની ચોકલેટી ક્યુ હૈ' ના જૂના ડાયલોગ સાથે ધૂમ મચાવી દીધી. ભારતમાં આ ક્રેઝ પૂર્વોત્તરના રાજ્યો મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુરમાં સૌથી વધુ જોવા મળ્યો હતો. ગૂગલના ૧ થી ૧૦૦ ના લોકપ્રિયતા ઇન્ડેક્સ પર આ બંને શબ્દો ૧૦૦ ના સ્કોર સાથે સર્વોચ્ચ સ્તરે રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, વૈશ્વિક સ્તરે 'મેલોડી' શબ્દ આફ્રિકન દેશ તાંઝાનિયામાં પણ ટોપ પર રહ્યો, પરંતુ ત્યાં પીએમ મોદીના કારણે નહીં, પણ તેમના લોકપ્રિય સ્થાનિક ગાયક 'જય મેલોડી' ના કારણે સર્ચ થઈ રહ્યો હતો.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
