<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

કોકરોચ જનતા પાર્ટી :ડિજિટલ મૂવમેન્ટની વેબસાઇટ અને એકાઉન્ટ્સ બંધ :અભિજીત દીપકેના ઘર બહાર બંદોબસ્ત

ડિજિટલ મૂવમેન્ટની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરાતા વિવાદ વધુ વકર્યો:સ્થાપક અભિજીત દીપકેએ આ પગલાંને સરમુખત્યારશાહી ગણાવ્યું

નવી દિલ્હી : NEET પેપર લીક વિરોધ અને અન્ય મુદ્દા ઉઠાવી સોશિયલ મીડિયા પર હોબાળો મચાવનાર 'કોકરોચ જનતા પાર્ટી' હાલ ભારે ચર્ચામાં છે. 2.2 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ ડિજિટલ મૂવમેન્ટની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરાતા વિવાદ વધુ વકર્યો છે. સ્થાપક અભિજીત દીપકેએ સરકારના આ પગલાંને સરમુખત્યારશાહી ગણાવ્યું છે, જ્યારે સુરક્ષા અને જાનથી મારી નાખવાની ધમકીઓને પગલે મહારાષ્ટ્રમાં તેમના ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. ડિજિટલ સેન્સરશિપ અને યુવા આક્રોશ વચ્ચેની આ લડાઈ હાલ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.  

આ વેબસાઈટના માધ્યમથી 6 લાખ લોકોએ ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રી હોવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમના રાજીનામાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે નીટ (NEET) પેપર લીક મામલામાં પ્રધાન નિષ્ફળ રહ્યા છે. દીપકેએ એક એક્સ (X) પોસ્ટમાં સવાલ કર્યો કે, "સરકાર આટલી બધી કેમ ડરેલી છે? આ પ્રકારનું સરમુખત્યારશાહી વલણ દેશના યુવાનોની આંખો ખોલી રહ્યું છે. હવે અમે એક નવા હોમ પેજ પર કામ કરીશું કારણ કે કોકરોચ ક્યારેય મરતા નથી."

 

અત્રે ઉલ્લેખનીય છે કે શનિવાર પૂરો થતાં સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર CJPના 2.2 કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા. જેની સામે ભાજપના ઈન્સ્ટાગ્રામ પર માત્ર 92 લાખ અને કોંગ્રેસના આશરે 1 કરોડ 34 લાખ ફોલોઅર્સ છે. મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પંકજ અતુલકરે શનિવારે જણાવ્યું હતું કે, 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘરની બહાર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. તેઓ હાલ અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યા છે.

 

આ અગાઉ દીપકેએ ઓનલાઈન ખુલાસો કર્યો હતો કે તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેણે એક્સ પર એક ધમકીભર્યા મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. તેમના ઘરની બહાર પોલીસ તૈનાત હોવાની પુષ્ટિ કરતા અતુલકરે પત્રકારોને જણાવ્યું કે, "લોકો દીપકે અને તેમની 'કોકરોચ જનતા પાર્ટી' વિશે ખૂબ જ ઉત્સુક છે. કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે તેમના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી થોડા દિવસો સુધી આ સુરક્ષા ચાલુ રહેશે."

 

CJP વેબસાઈટ, ઈન્સ્ટાગ્રામ અને એક્સ એકાઉન્ટ બંધ થયા બાદ આ રાજકીય સંગઠનના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી હતી. જોકે, દીપકેએ તેમના સમર્થકોને આવી કોઈ પણ ભૂલ ન કરવાની સલાહ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો આવું કોઈ પ્રદર્શન થાય છે તો તેની સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, "કોકરોચ જનતા પાર્ટીએ આવું કોઈ આહ્વાન કર્યું નથી.  

(4:45 PM IST)