<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ચૂંટણી પંચના કામકાજ સામે કૉક્રોચ જનતા પાર્ટી આક્રમક : મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને ૪૮ કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ : માંગણીઓ પૂરી ન થાય તો દેશવ્યાપી આંદોલન કરવાની ચેતવણી

અભિજીત દીપકેએ જ્ઞાનેશ કુમાર પર ભાજપને ચૂંટણીઓ જીતાડવામાં મદદ કરવાનો અને ૧૩ કરોડ મતદારોના નામ હટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો : તમામ આગામી ચૂંટણીઓ પર રોક લગાવવા અને સીઆઈઆર પ્રક્રિયા બંધ કરવા માંગ

નવી દિલ્હી: ચૂંટણી પંચના કામકાજને લઈને આવેલા એક અહેવાલ બાદ મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિપક્ષના આકરા પ્રહાર હેઠળ આવ્યા છે. આ અહેવાલમાં જણાવાયું છે કે એસઆઈઆર (SIR) અને ચૂંટણી પંચની કેટલીક પ્રક્રિયાઓ સામે બે ચૂંટણી કમિશ્નરોએ છેલ્લા ૧૦ મહિનામાં આશરે ૧૪ વખત વાંધા નોંધાવ્યા છે. આ મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) એ આક્રમક વલણ અપનાવતાં પત્રકાર પરિષદ યોજીને જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડ્યો છે.

સીજેપીએ ગુરુવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્ઞાનેશ કુમાર પર દેશના લોકશાહી માટે સૌથી મોટો ભય હોવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરી છે: પ્રથમ જ્ઞાનેશ કુમારને બરતરફ કરવામાં આવે, આગામી તમામ ચૂંટણીઓ પર રોક લગાવવામાં આવે અને એસઆઈઆર પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે. સીજેપીએ ઉમેર્યું હતું કે જો જ્ઞાનેશ કુમાર નરેન્દ્ર મોદીની ચાપલૂસી કરવા માંગતા હોય તો તેમણે તેમના ઘરે ચોકીદાર કે ચાકર બની જવું જોઈએ અને ૪૮ કલાકની અંદર રાજીનામું આપી દેવું જોઈએ. જો રાજીનામું નહીં આપવામાં આવે તો સીજેપી દેશભરમાં લોકોને એકજુટ કરી દિલ્હીમાં મોટું આંદોલન શરૂ કરશે.

સીજેપીએ આ મામલે સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) અંગે પણ ટિપ્પણી કરતાં કહ્યું કે કોર્ટે પણ તમામ એસઆઈઆર ફાઇલો જપ્ત કરીને પોતાની કસ્ટડીમાં લેવાનો આદેશ આપવો જોઈએ, જેથી ફાઇલો આગમાં બળીને ખાખ થઈ ગઈ હોવાનો કોઈ દાવો ન કરી શકે.

અભિજીત દીપકે અને સીજેપીએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે દેશભરમાં અત્યાર સુધીમાં ૧૩ કરોડ મતદારોના નામ હટાવી દેવાયા છે. મહારાષ્ટ્રમાં ૨ કરોડથી વધુ, બંગાળમાં મોટા પ્રમાણમાં અને દિલ્હીમાં ૪૭ લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવાઈ રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માત્ર ૨ ટકા મતોના અંતરથી જીતવામાં આવી હતી, તો શું ભાજપની જીત નક્કી કરવા માટે આ નામો હટાવાઈ રહ્યા છે? તેમણે ઉમેર્યું કે ભાજપ નરેન્દ્ર મોદીના કારણે નહીં પરંતુ જ્ઞાનેશ કુમારની મદદથી ચૂંટણીઓ જીતી રહ્યું છે અને પ્રાદેશિક નેતાઓના મત હટાવીને બાગી જૂથોને પ્રાદેશિક પક્ષોના પ્રતીકો અને ફંડ સોંપવામાં આવી રહ્યા છે.

(5:45 PM IST)