તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ઉત્તર પ્રદેશના વકીલો માટે સીએમ યોગી આદિત્યનાથની ઐતિહાસિક સોગાદ: વાર્ષિક રૂ. ૫ લાખ સુધીની કેશલેસ સારવારની જાહેરાત; કલ્યાણ ભંડોળ વધીને રૂ. ૫ લાખ કરાયું
અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં રૂ. ૭૦૦ કરોડના ચેમ્બર અને પાર્કિંગ સંકુલનું લોકાર્પણ; ૪૦૦ સરકારી કાયદા અધિકારીઓને અપાશે આધુનિક ટેબ્લેટ

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના લાખો વકીલો માટે અત્યાર સુધીની સૌથી મોટી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરીને કાનૂની ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય એવોર્ડ સમારોહમાં સીએમ યોગીએ જાહેરાત કરી હતી કે હાઈકોર્ટ અને તમામ જિલ્લા અદાલતોમાં સક્રિય પ્રેક્ટિસ કરતા વકીલોને હવે વાર્ષિક રૂ. ૫ લાખ સુધીની મફત કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે.
આ ઉપરાંત, વકીલોના કલ્યાણ માટેના 'એડવોકેટ વેલ્ફેર ફંડ' (Advocate Welfare Fund) માં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ ભંડોળ રૂ. ૧.૫ લાખ હતું, જેને સીધું વધારીને રૂ. ૫ લાખ કરી દેવામાં આવ્યું છે. કોઈ વકીલના આકસ્મિક અવસાન પર તેમના પરિવારને મળતી નાણાકીય સહાય માટેની વયમર્યાદા પણ ૬૦ વર્ષથી વધારીને ૭૦ વર્ષ કરવામાં આવી છે. રાજ્યના ૪૦૦ સરકારી કાયદા અધિકારીઓને ડિજિટલ કામગીરી સાથે જોડવા માટે મફત ટેબ્લેટ આપવાની પણ મહત્વની જાહેરાત કરાઈ હતી.
રૂ. ૭૦૦ કરોડના ખર્ચે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટીગ્રેટેડ કોર્ટ સંકુલ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટમાં ૧૦,૦૦૦ થી વધુ વકીલો માટે રૂ. ૭૦૦ કરોડના ખર્ચે મલ્ટી-લેવલ પાર્કિંગ, આધુનિક ચેમ્બર્સ, ડાઇનિંગ હોલ, કોમન રૂમ અને વિશાળ પુસ્તકાલય તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યના ૧૦ જિલ્લાઓમાં જ્યાં અદાલતો ભાડાની જગ્યામાં ચાલતી હતી, ત્યાં તમામ સુવિધાઓથી સજ્જ 'ઇન્ટીગ્રેટેડ કોર્ટ સંકુલ' (Integrated Court Complex) નું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં વકીલો માટે સસ્તી કેન્ટીન અને ઇન્ડોર સ્ટેડિયમ જેવી સુવિધાઓ હશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરુણ ભાસાલી અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સરકારની આ પહેલને બિરદાવી હતી. નાયબ મુખ્યમંત્રી મૌર્યએ ભારપૂર્વક કહ્યું હતું કે, "અમે નિર્દોષોને ક્યારેય હેરાન નહીં કરીએ અને ગુનેગારોને કોઈપણ કિંમતે બક્ષીશું નહીં." નવી હાઇ-સ્પીડ ટેકનોલોજી, વિડીયો કોન્ફરન્સિંગ અને 'ન્યાય શ્રુતિ' પ્રણાલીથી હવે રાજ્યમાં કેસોનો ઉકેલ વધુ ઝડપી બનશે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
