<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

સીએમ વિજયનો માસ્ટરસ્ટ્રોક: તમિલનાડુના ૧૬ લાખ કર્મચારીઓની દિવાળી વહેલી આવી, મોંઘવારી ભથ્થામાં વધારો

૫૮% થી વધારીને ૬૦% કરાયેલું મોંઘવારી ભથ્થું ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી અમલી બનશે: સરકારી તિજોરી પર ₹૧,૨૩૦ કરોડનો વધારાનો બોજ : મહિલા અધિકાર ગ્રાન્ટના હપ્તાની પણ જાહેરાત

ચેન્નાઈ:   તમિલનાડુના રાજકારણમાં સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી વિજયે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીનો પિટારો ખોલ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને શિક્ષકોની લાંબા સમયની માંગણીને સંતોષતા સીએમ વિજયે મોંઘવારી ભથ્થા (DA) માં ૨% નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ હવે કર્મચારીઓનું કુલ ડીએ ૫૮% થી વધીને ૬૦% થઈ ગયું છે. આ નિર્ણયથી માત્ર સક્રિય કર્મચારીઓ જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરો સહિત અંદાજે ૧૬ લાખ પરિવારોને સીધો આર્થિક લાભ થશે, જે મોંઘવારીના જમાનામાં એક મોટી રાહત સમાન છે.

મુખ્ય સચિવાલયમાં મળેલી સમીક્ષા બેઠક બાદ સીએમઓએ સ્પષ્ટ કર્યું છે કે આ વધારાને કારણે રાજ્યની તિજોરી પર વાર્ષિક ₹૧,૨૩૦ કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે. સીએમ વિજયે કર્મચારીઓની ભૂમિકાને બિરદાવતા જણાવ્યું હતું કે, કોઈપણ સરકારી કલ્યાણકારી યોજનાને છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં શિક્ષકો અને સરકારી બાબુઓ પાયાની ઈંટ સમાન છે. આ નિર્ણય માત્ર પગાર વધારો નથી, પરંતુ કર્મચારીઓની મહેનતની કદર છે. રાજ્યમાં 'સામાજિક ન્યાય અને સમાન તક' ના સિદ્ધાંતો પર ચાલતી આ સરકાર સામાન્ય લોકોની અપેક્ષાઓ પર ખતરી ઉતરવા કટિબદ્ધ છે.

આર્થિક ભેટ ઉપરાંત, મુખ્યમંત્રીએ મહિલાઓ માટેની 'કલાઈગ્નાર માગાલીર ઉરીમાઈ થોગાઈ' યોજના હેઠળ મે ૨૦૨૬ના હપ્તાની પણ જાહેરાત કરી દીધી છે. આ યોજના હેઠળ રાજ્યની ૧.૩૧ કરોડ મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં ₹૧,૦૦૦ ની ગ્રાન્ટ જમા કરવામાં આવશે. અગાઉની સરકારની આ લોકપ્રિય યોજનાને વિજય સરકારે નવા સ્વરૂપમાં રજૂ કરી છે, જેથી ખરેખર જરૂરિયાતમંદોને સહાય મળતી રહે. શાસનની શરૂઆતમાં જ કર્મચારીઓ અને મહિલાઓ બંનેને સાધીને વિજયે સાબિત કરી દીધું છે કે તેમનો વહીવટ પ્રજાલક્ષી અને ઝડપી નિર્ણયો લેનારો રહેશે.

(5:56 PM IST)