તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા : આજે યુદ્ધવિરામનો અંતિમ દિવસ, ડોનાલ્ડ ટ્રમ્પે જંગ શરૂ કરવાના સંકેત આપ્યા
ઈસ્લામાબાદમાં મંત્રણા માટે જેડી વેન્સ અને જેરેડ કુશનર સહિતનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું પણ તેહરાને વાતચીતનો ઈનકાર કર્યો : 'પરમાણુ હથિયારો છોડો અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો' તેવી ટ્રમ્પની ખુલ્લી ચેતવણી

ન્યૂયોર્ક: બુધવાર, તા. ૨૨-૦૪-૨૦૨૬ : વિશ્વ અત્યારે વિનાશક યુદ્ધના ઉંબરે આવીને ઉભું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામનો આજે બુધવારે છેલ્લો દિવસ છે. આ દરમિયાન ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ આગળ કોઈ વાતચીત કરવા માંગતા નથી, જેના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ શરૂ કરવાના સીધા સંકેતો આપી દીધા છે. સમગ્ર વિશ્વની નજર અત્યારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પર ટકી છે, જ્યાં મંત્રણાના અંતિમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પરમાણુ હથિયારોનો સફાયો કરો: ટ્રમ્પની કડક શરત:
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ન્યૂયોર્ક પોસ્ટ' સાથેની વાતચીતમાં ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ઈરાન પાસે બચવાનો હવે એક જ રસ્તો છે અને તે છે પોતાના પરમાણુ હથિયારોનો સંપૂર્ણ સફાયો. ટ્રમ્પે કહ્યું કે, "પરમાણુ હથિયારોથી પીછો છોડાવો, બસ આટલું જ કાફી છે. હવે કોઈ પરમાણુ હથિયાર ચલાવી લેવામાં આવશે નહીં." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો વાતચીત નિષ્ફળ જશે તો શું થશે? ત્યારે ટ્રમ્પે રહસ્યમય રીતે જવાબ આપ્યો કે, "હું અત્યારે એ કહેવા માંગતો નથી, પણ તમે જાતે સમજી શકો છો કે સ્થિતિ સારી નહીં હોય."
ઈસ્લામાબાદમાં અમેરિકી પ્રતિનિધિમંડળનો ધામા:
ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે અમેરિકાની એક હાઈ-પ્રોફાઈલ ટીમ પાકિસ્તાન રવાના થઈ ચૂકી છે. આ દળમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફનો સમાવેશ થાય છે. આ ટીમ ઈરાની અધિકારીઓ સાથે મંત્રણા કરી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ અને સેનાધ્યક્ષ અસીમ મુનીર આ બેઠકની યજમાની કરી રહ્યા છે અને અમેરિકી પ્રતિનિધિમંડળ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઈરાનની આનાકાની અને આક્ષેપો:
બીજી તરફ, ઈરાનનો રવૈયો અત્યંત નરમ અને નકારાત્મક જોવા મળી રહ્યો છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે તેમની હાલમાં બીજા રાઉન્ડની મંત્રણા કરવાની કોઈ યોજના નથી. ઈરાની વિદેશ મંત્રાલયે અમેરિકા પર 'ખરાબ દાનત' હોવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનનું કહેવું છે કે હોર્મુઝ જલસંધિ પર અમેરિકાએ કરેલી સમુદ્રી નાકેબંધી વાતચીતમાં મોટો અવરોધ છે. જોકે, ટ્રમ્પે ઈરાનના આ વલણને માત્ર નાટક ગણાવતા કહ્યું કે, "કોઈ રમત નથી રમાઈ રહી, વાતચીત થવી જોઈએ અને થઈને રહેશે."
નિષ્ફળતાના સંજોગોમાં સીધો સંઘર્ષ:
નોંધનીય છે કે ૧૧ અને ૧૨ એપ્રિલના રોજ ૨૧ કલાક સુધી ચાલેલી મંત્રણા કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ હતી. બંને પક્ષો વચ્ચેનો ગતિરોધ યથાવત છે અને જે સીઝફાયર અમલમાં છે તે આજે પૂર્ણ થઈ રહ્યો છે. જો ઈસ્લામાબાદની આ બેઠક પણ બેનતીજા રહેશે, તો બંને દેશો વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થઈ શકે છે અને એકબીજાના બુનિયાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા થવાની દહેશત વધી ગઈ છે. અમેરિકાએ આ સોદાને સંતુલિત ગણાવ્યો છે, જ્યારે ઈરાન નાકેબંધી હેઠળ ઝૂકવા તૈયાર નથી.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
