News of Wednesday, 15th April 2026
અર્થતંત્રમાં ચિંતાના વાદળો: માર્ચમાં બેરોજગારીના દરમાં ઉછાળો, નોકરીઓની અછત વધી
શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો આંકડો 6.8 ટકાએ પહોંચ્યો; મહિલાઓના શ્રમ બળ ભાગીદારી દરમાં પણ મોટો ઘટાડો નોંધાયો

નવી દિલ્હી: દેશના આર્થિક મોરચે ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (NSO) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના સામયિક શ્રમ બળ સર્વે મુજબ, માર્ચ 2026માં બેરોજગારીનો દર વધીને 5.1 ટકા પર પહોંચી ગયો છે. ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ આ દરમાં 0.2 ટકાનો વધારો નોંધાયો છે, જે મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં રોજગારીની તકોમાં આવેલા ઘટાડાને આભારી છે. આ આંકડાઓ દર્શાવે છે કે 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓમાં શ્રમ બળ ભાગીદારી દર (LFPR) પણ 55.9 ટકાથી ઘટીને 55.4 ટકા થઈ ગયો છે, જે બજારમાં નવી નોકરીઓના સર્જનની નબળી ગતિ તરફ ઈશારો કરે છે.
રિપોર્ટના વિગતવાર આંકડાઓ પર નજર કરીએ તો, ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 4.3 ટકા નોંધાયો છે, જેની સામે શહેરી વિસ્તારોમાં આ આંકડો ચિંતાજનક રીતે 6.8 ટકા સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને મહિલાઓની સ્થિતિ વધુ નાજુક જણાય છે; શહેરી વિસ્તારોમાં વસતી 15 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં બેરોજગારીનો દર 9 ટકા જેવો ઊંચો રહ્યો છે. માર્ચ મહિનામાં મહિલા શ્રમ બળ ભાગીદારી દર (LFPR) પણ ફેબ્રુઆરીના 35.3 ટકાથી ઘટીને 34.4 ટકા પર આવી ગયો છે, જે અર્થતંત્રમાં મહિલાઓના ઘટતા ફાળાને દર્શાવે છે.
કામદાર વસ્તી ગુણોત્તર (WPR) માં પણ માર્ચ દરમિયાન પીછેહઠ જોવા મળી છે. માર્ચ મહિનામાં એકંદર WPR 52.6 ટકા રહ્યો હતો, જે રોજગારીની ગુણવત્તા અને ઉપલબ્ધતા પર સવાલો ઉભા કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં આ દર 56.3 ટકાથી ઘટીને 55.5 ટકા થયો છે, જ્યારે શહેરોમાં તે 46.8 ટકા નોંધાયો છે. આર્થિક નિષ્ણાતોના મતે, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં આવેલી સુસ્તીને કારણે શહેરી યુવાનો અને મહિલાઓને રોજગાર મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડાઓ આગામી સમયમાં આર્થિક નીતિઓ ઘડવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
