તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
કર્નાટકમાં ભીષણ દુષ્કાળ સામે લડવા માટે એચએએલ એરપોર્ટ પરથી ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદની મહત્વાકાંક્ષી ઓપરેશનની ભવ્ય શરૂઆત
રાજ્યના જળ સંસાધન મંત્રી એન ચેલુવરાયસ્વામીએ ખાસ વિમાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, ગંભીર પાણીની અછત અને સૂકી સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોને રાહત મળવાની આશા

બેંગલુરુ: કર્ણાટકમાં ગંભીર દુષ્કાળની સ્થિતિ અને વરસાદની ભારે અછત સામે પહોંચી વળવા માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં કૃત્રિમ વરસાદ એટલે કે 'ક્લાઉડ સીડિંગ' (Cloud Seeding) ના બહુપ્રતિક્ષિત અભિયાનની અધિકૃત રીતે શરૂઆત કરવામાં આવી છે. શુક્રવારે બેંગલુરુના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એરપોર્ટ પરથી આ ખાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના જળ સંસાધન મંત્રી એન ચેલુવરાયસ્વામીએ રાષ્ટ્રીય અને રાજ્યનો ધ્વજ લહેરાવીને ક્લાઉડ સીડિંગ માટે તૈયાર કરવામાં આવેલા વિશેષ હળવા વિમાનને લીલી ઝંડી બતાવી રવાના કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી એન ચેલુવરાયસ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩ માં પણ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં આશરે ૨૭ ટકા સફળતા મળી હતી. વર્તમાન સમયમાં પીવાના પાણી અને ખેતી માટે સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી આ વખતે પણ સરકારને ૨૦ થી ૨૫ ટકા સફળતાની આશા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રયાસ સફળતા કે નિષ્ફળતાના માપદંડ માટે નથી, પરંતુ સંપૂર્ણપણે રાજ્યના મહેનતુ ખેડૂતો અને જનતાના કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ક્લાઉડ સીડિંગ એ હવામાનમાં ફેરફાર કરવાની એક તકનીક છે, જેમાં સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ અથવા વિવિધ પ્રકારના ક્ષારો (મીઠા) નો ઉપયોગ કરીને વિમાન મારફતે વાદળોમાં રસાયણો છાંટવામાં આવે છે. જેથી વાદળોમાં પાણીના ટીપાં કે બરફના ક્રિસ્ટલ ભેગા થઈ ભારે બને છે અને વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે.
તજજ્ઞોના મતે આ ટેકનિક સાફ આકાશમાં વરસાદ પાડી શકતી નથી, તેના માટે આકાશમાં પૂરતી ભેજવાળા વાદળો અને અનુકૂળ વાતાવરણ હોવું જરૂરી છે. વાદળોની રચના, તાપમાન અને પવનની ગતિ જેવા પરિબળો પર તેની સફળતાનો આધાર રહેલો છે. તીવ્ર દુષ્કાળની સ્થિતિમાં કર્ણાટક સરકારનું આ પગલું નાગરિકો માટે આશાનું કિરણ બનીને સામે આવ્યું છે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
