News of Sunday, 21st June 2026
વિડીયો ગેમ નિર્માતા જાયન્ટ કંપની 'યુબીસોર્ટ' ના કો-ફાઉન્ડર ક્લોડ ગીલેમોટનું ફ્રાન્સમાં ભયાનક પ્લેન ક્રેશમાં કમકમાટીભર્યું મોત
વિશ્વપ્રસિદ્ધ ગેમ 'અસેસિન્સ ક્રીડ' આપનારા ૬૯ વર્ષીય ક્લોડ ગીલેમોટના દ્વિ-એન્જિન વિમાન અકસ્માતમાં અન્ય એક મુસાફરનું પણ ઘટનાસ્થળે જ નીપજ્યું મોત

પેરિસ:ગેમિંગ જગતમાંથી એક ખૂબ જ દુખદ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વની સૌથી મોટી વિડીયો ગેમ પબ્લિશર કંપનીઓમાં સ્થાન ધરાવતી 'યુબીસોફ્ટ' (Ubisoft) ના સહ-સંસ્થાપક ક્લોડ ગીલેમોટનું ફ્રાન્સમાં એક વિમાન દુર્ઘટનામાં ૬૯ વર્ષની વયે અવસાન થયું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પ્લેનમાં સવાર ક્લોડ ગીલેમોટ સહિત બંને વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે વૈશ્વિક ટેકનોલોજી અને વિડીયો ગેમ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
સ્થાનિક સત્તાવાળાઓ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પશ્ચિમી ફ્રાન્સના લા બાઉલ (La Baule) વિસ્તારમાં સર્જાયો હતો. ક્લોડ ગીલેમોટ પોતાના બે એન્જિનવાળા નાના પ્રાનિવેટ વિમાનમાં પ્રસાણ કરી રહ્યા હતા. વિમાન જ્યારે લા બાઉલ એરપોર્ટ તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે અચાનક હવામાં એક અણધાર્યો વળાંક લીધા બાદ તે તીવ્ર ગતિએ જમીન પર તૂટી પડ્યું હતું. વિમાનમાં સવાર બીજા મૃતક મુસાફરની સત્તાવાર ઓળખ હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા બ્લેક બોક્સની તપાસ શરૂ કરાઈ છે.
ક્લોડ ગીલેમોટે વર્ષ ૧૯૮૬માં પોતાના ચાર ભાઈઓ સાથે મળીને 'યુબીસોફ્ટ' કંપનીની સ્થાપના કરી હતી. તેમની અદભુત કોઠાસૂઝ અને સખત મહેનતના બળે આ કંપનીએ વૈશ્વિક સ્તરે ગેમિંગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. યુબીસોફ્ટ કંપની દ્વારા બનાવવામાં આવેલી 'અસેસિન્સ ક્રીડ' (Assassin's Creed), 'ફાર ક્રાઈ' (Far Cry) અને 'રેમેન' (Rayman) જેવી અત્યંત લોકપ્રિય વિડીયો ગેમ સિરીઝે દુનિયાભરના કરોડો ગેમર્સના દિલ જીતી લીધા છે અને ગેમિંગ ઉદ્યોગને એક નવો આયામ આપ્યો છે.
ખાસ કરીને વર્ષ ૨૦૦૭માં શરૂ થયેલી 'અસેસિન્સ ક્રીડ' સિરીઝે વૈશ્વિક સ્તરે ૨૦ કરોડથી પણ વધુ સક્રિય ખેલાડીઓને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આ સિરીઝની સૌથી નવી રજૂઆત 'અસેસિન્સ ક્રીડ શેડોઝ' જે ૧૬મી સદીના જાપાનના ઐતિહાસિક વાતાવરણ પર આધારિત છે, તેને વિશ્વભરના સમીક્ષકો દ્વારા ભારે પ્રશંસા મળી રહી છે. આવા પ્રગતિશીલ સમયે કંપનીના મુખ્ય પાયા સમાન ક્લોડ ગીલેમોટનું આકસ્મિક નિધન થતાં કંપનીના કર્મચારીઓ અને વિશ્વભરના ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
