<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

દિલ્હીના જંતર મંતર પર સી.જે.પી.નું વિરોધ પ્રદર્શન ચાલુ : પ્રદર્શનકારીઓ સામે એફ.આઈ.આર. નોંધાવા નહીં દેવાની ચીમકી સાથે હજ્જારો લોકો દિલ્હી પહોંચવાની સી.જે.પી. નેતા અભિજીત દીપકે આપી ચેતવણી

હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોનમ વાંગચુકની મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીઓ જે.પી.નડ્ડા અને ડો. જીતેન્દ્ર સિંહે સંસદમાં ચર્ચાની ખાતરી આપી : દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા સી.આર.પી.એફ.ની ૨૦ ટુકડીઓ તૈનાત : સુરક્ષા કારણોસર ૧૬ મેટ્રો સ્ટેશનો બંધ કરાયા

નવી દિલ્હી, તા.૨૨ જુલાઈ: દિલ્હીના ઐતિહાસિક જંતર મંતર ખાતે નીટ (NEET) પેપર લીક વિવાદ અને શિક્ષણ સુધારણાની માંગણી સાથે ચાલતું વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સમર્થકો અને વિદ્યાર્થીઓ બુધવારે પણ મોટી સંખ્યામાં ધરણા પર બેઠા છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો કેન્દ્ર સરકાર તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારશે નહીં, તો દેશભરમાંથી લાખો લોકો દિલ્હી તરફ કૂચ કરશે. પાર્ટી દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે 'ચલો સંસદ' માર્ચ બાદ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વિરોધ પ્રદર્શન કરનાર કોઈપણ વિદ્યાર્થી કે કાર્યકર સામે ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની એફ.આઈ.આર. (FIR) નોંધાવા દેવામાં આવશે નહીં.

બીજી તરફ, દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ મંગળવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડો. જીતેન્દ્ર સિંહે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ વાંગચુકને માહિતી આપી હતી કે સરકાર આ મુદ્દે સંસદમાં ચર્ચા હાથ ધરવા તૈયાર છે અને શિક્ષણ ક્ષેત્રે જરૂરી સુધારાઓ પર ગંભીરતાથી કામ થઈ રહ્યું છે. મંત્રીઓએ વાંગચુકને વિનંતી કરી હતી કે તેઓ વિદ્યાર્થીઓને સરકારી પ્રક્રિયા પર વિશ્વાસ રાખવા અને આંદોલન વધુ ઉગ્ર ન બનાવવા અપીલ કરે.

દિલ્હીમાં વધતા જતા વિરોધ પ્રદર્શનો, વિવિધ રાજકીય પક્ષોના આંદોલનો અને ચાલી રહેલા સંસદ સત્રને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ રાખવા માટે કોલકાતાથી સી.આર.પી.એફ. (CRPF) ની ૨૦ વધારાની કંપનીઓને એરલિફ્ટ કરીને દિલ્હી ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સુરક્ષાના કારણોસર ૧૬ મેટ્રો સ્ટેશનોને આગળની સૂચના સુધી મુસાફરો માટે બંધ કરી દેવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ સાથે જ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ લેતા વિપક્ષી દળોના નેતાઓ પણ સક્રિય થયા છે. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાન તરફ વિરોધ માર્ચ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સહિતના નેતાઓની અટકાયત કરી છત્રસાલ સ્ટેડિયમ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં મોડી રાત્રે મુક્ત કરાયા હતા. રાજ્યસભાના સાંસદ કપિલ સિબલે માંગ કરી છે કે સંસદ માર્ચ દરમિયાન ઘવાયેલા પોલીસ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવે. સિબલે આશંકા વ્યક્ત કરી હતી કે ૨૦૨૦ ના દિલ્હી રમખાણોની જેમ જ નિર્દોષ વિદ્યાર્થીઓને એફ.આઈ.આર. માં આરોપી બનાવવામાં આવી શકે છે. સિબલે દેશભરના શહેરોમાં શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવા હાકલ કરી હતી અને જે.પી. નડ્ડાના નિવેદન સામે આકરા પ્રહારો કર્યા હતા.

(12:12 PM IST)