તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
CJPના આજે દેશવ્યાપી દેખાવોઃ સરકાર સાથે બપોરે મહત્વની બેઠક
દિલ્હીના કોન્સ્ટિટયુશન ક્લબમાં આરપારની વાટાઘાટોઃ સોનમ વાંગચુકના અનશન પૂર્ણ કર્યા બાદ પણ આક્રોશની આગ યથાવત દિલ્હીથી જયપુર સુધી રસ્તાઓ પર યુવાઓનો મહાસાગરઃ CJP ની ઇમરજન્સી પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી, તા.૨૪: દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે એક ખૂબ જ નાટયાત્મક વળાંક આવ્યો છે. છેલ્લા ૨૬ દિવસથી સતત ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આખરે ગુરુવારે મોડી રાત્રે પોતાના ઉપવાસ તોડ્યા છે. બીજી તરફ, આ દેખાવોનું નેતળત્વ કરી રહેલી CJP અને સરકાર વચ્ચે વાટાઘાટોનો માર્ગ મોકળો થયો છે. CJPના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે સરકારે તેમની માંગણી સ્વીકારીને તટસ્થ સ્થળે ચર્ચા કરવા સંમતિ દર્શાવી છે. આજે બપોરે ૧૨:૩૦ વાગ્યે દિલ્હીના કોન્સ્ટિટયુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે CJPનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય મંત્રીઓ સાથે ટેબલ પર બેસશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવીને સંસદમાં પેપર લીક મુદ્દે ખુલ્લી ચર્ચા કરવા તેમજ આ ઘટનામાં આત્મહત્યા કરનારા કમનસીબ વિદ્યાર્થીઓના પરિવારોને આર્થિક વળતર આપવાની ઓફર મૂકી છે.
તેમની તબિયત લથડતાં તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે રૂબરૂ પહોંચીને સરકાર તરફથી એક અધિકળત લેખિત પ્રસ્તાવ અને ખાતરીપત્ર સોંપ્યું હતું. દેશમાં વધતી જતી અશાંતિ અને સંભવિત હિંસા અટકાવવા માટે સોનમ વાંગચુકે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને જે.પી. નડ્ડાના હાથે જ્યુસ પીને ૨૬ દિવસ લાંબા અનશનનો અંત આણ્યો હતો.
આ વાટાઘાટો પહેલાં પણ વાતાવરણ તંગ બનેલું છે, કારણ કે CJP દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોનું આહ્વાન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લો. એક દિવસ. એક માંગના સૂત્ર સાથે પાર્ટી દેશના દરેક ખૂણે શાંતિપૂર્ણ પ્રદર્શનો યોજી રહી છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની મુખ્ય માંગ પર અડગ છે. અગાઉ સરકારે વાતચીત માટે ચાર વખત પ્રસ્તાવ મોકલ્યા હતા, પરંતુ CJP એ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ ચર્ચા માત્ર તટસ્થ સ્થળે જ થઈ શકે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે પણ ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર પોતાની પ્રતિષ્ઠા વચ્ચે લાવ્યા વગર વિદ્યાર્થીઓના કલ્યાણ અને યોગ્ય ઉકેલ લાવવા માટે કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ ચર્ચા કરવા તૈયાર છે.
ભૂખ હડતાળ પૂરી કર્યા બાદ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર પોતાના સમર્થકો અને દેશવાસીઓને શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવાની ભાવુક અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય લાંબી વિચારણા અને દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો છે, અને તેઓ ટૂંક સમયમાં જ એક વિડિયો જાહેર કરીને તમામ વિગતો શેર કરશે. હાલમાં દિલ્હીના જંતર-મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ એકઠા થયેલા છે અને સમગ્ર દેશની નજર આજે બપોરે યોજાનારી આ ઐતિહાસિક બેઠક પર છે કે શું આ ચર્ચામાંથી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કોઈ કાયમી ઉકેલ નીકળશે કે પછી આંદોલન વધુ ઉગ્ર રૂપ ધારણ કરશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
