તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
સીજેપી પ્રોટેસ્ટ : 'મેટા' દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડિયો ભારતમાં બ્લોક કરાતાં ભારે બબાલ : ચોતરફ વિરોધ બાદ ફેસબુકે પોતાની 'ભૂલ' સ્વીકારી વિડિયો પુનઃ શરૂ કર્યો
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે યુવાનોને સંબોધતો સેલ્ફી વિડિયો ભૂલથી હટાવાયો હોવાની મેટાની ચોખવટ : ભારે હોબાળા બાદ નિર્ણય પાછો ખેંચવાની નોબત આવી

નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થીઓના સીજેપી (કોકરોચ જનતા પાર્ટી) ના વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના યુવાનોને સંબોધિત કરતો એક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જોકે, મેટા કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિડિયોને ભારતમાં રેસ્ટ્રિક્ટ (બાન) કરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. બાદમાં મીડિયા દ્વારા સવાલો ઉઠાવવામાં આવતાં મેટાએ આ પોતાની તકનીકી ભૂલ હોવાનું સ્વીકારીને વિડિયોને પુનઃ પૂર્વવત કરી દીધો છે.
ફેસબુક દ્વારા મોડી રાત્રે વિડિયો રેસ્ટ્રિક્ટ કરાયો, ચોતરફી દબાણ બાદ સ્પષ્ટતા:
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાસ સેલ્ફી મોડમાં રેકોર્ડ કરીને દેશના યુવાનો અને જેન-જી (Gen-Z) ને સંબોધતો વિડિયો શેર કર્યો હતો. પરંતુ ફેસબુક દ્વારા મોડી રાત્રે ૧:૨૫ વાગ્યાના સુમારે આ વિડિયો પર 'કાયદાકીય વિનંતીનું પાલન કરીને તેને રેસ્ટ્રિક્ટ કરાયો છે' તેવો મેસેજ દર્શાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ભારે વિવાદ ઊભો થતાં મેટા કંપનીએ સત્તાવાર સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડિયો ભૂલથી હટી ગયો હતો, જેને હવે સુધારી લેવામાં આવ્યો છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અને સીજેપીનું પ્રદર્શન:
સીજેપીના સમર્થકો દ્વારા જંતર-મંતર પર છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ પ્રદર્શન ચલાવવામાં આવી રહ્યું હતું. ૨૦ જુલાઈના રોજ સીજેપી દ્વારા સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભીડ સંસદ તરફ આગળ વધતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને તેમને રોકવામાં આવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે વિવાદ વધતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે સરકારે પેપર લીકની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે અને કડક કાર્યવાહી કરી છે.
પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત:
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના બીજા વિડિયો સંદેશમાં દેશની પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને પારદર્શિતા લાવવા માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સના ગઠનની માહિતી આપી હતી. સરકારે આ ટાસ્ક ફોર્સની ભલામણોને અમલી બનાવીને ટેકનોલોજીના ઉપયોગથી પરીક્ષા પદ્ધતિને વધુ વિશ્વસનીય અને પારદર્શક બનાવવાની કટિબદ્ધતા દર્શાવી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
