News of Sunday, 18th October 2026
CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકા જેલમાં જ રહેશે: જામીન સુનાવણી ટળી
મેજિસ્ટ્રેટની ગેરહાજરી અને તંત્રના વિલંબને કારણે જેલમુક્તિ ટળી: જંતર-મંતરમાં ઝંડો ફરકાવવા બદલ ધરપકડ સામે કપિલ સિબ્બલની કાનૂની મદદ લેવાઈ

નવી દિલ્હી: દિલ્હીમાં રાજકીય ગરમાવો વધારતી એક મહત્વની ઘટનામાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના અગ્રણી નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાની જામીન અરજી પરની સુનાવણી રવિવારે અચાનક મુલતવી રાખવામાં આવી છે, જેના કારણે બંને નેતાઓને હાલ જેલમાં જ રહેવું પડશે. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમયસર કોર્ટમાં ઉપસ્થિત ન રહેતા કાનૂની પ્રક્રિયા અટકી પડી હતી. ઉલ્લેખનીય છે કે, 14 ઓક્ટોબરના રોજ જંતર-મંતર ખાતે બંધ દરવાજો પાર કરી અંદર પ્રવેશ કરવા, રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને જોરદાર સૂત્રોચ્ચાર કરવા બદલ આ બંને નેતાઓને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
CJP ના સમર્થક અને સામાજિક કાર્યકર્તા રત્ના સિંહે પોલીસ અને તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિગતો શેર કરતા તેમણે જણાવ્યું હતું કે, બપોરે 12 વાગ્યે સુનાવણી નિયત કરવામાં આવી હોવા છતાં તેઓ સવારે 11 વાગ્યાથી જ મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. તેમ છતાં, એસીપી/એસઇએમ સાંજે 4:42 વાગ્યા સુધી સ્થળ પર પહોંચ્યા ન હતા. આ ઉપરાંત, કોઈ પણ સ્પષ્ટ કે વાજબી કારણ આપ્યા વિના અત્યાર સુધીમાં રજૂ કરાયેલા ચાર જામીનદારોને ફગાવી દેવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનમાં સામેલ નિર્દોષ નાગરિકોને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાનું દર્શાવીને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે.
ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ કોઈ ગુનો નથી તેમ જણાવતા રત્ના સિંહે દિલ્હીની SEM કોર્ટની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને તેને સત્તાનો ખુલ્લો દુરુપયોગ ગણાવ્યો હતો. બીજી તરફ, શનિવારે CJP એ સ્પષ્ટ કર્યું હતું કે તેઓએ આ મામલે દેશના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સાથે કાનૂની સલાહ-મશવરો કરી લીધો છે અને જો રવિવાર સુધીમાં બંને નેતાઓને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ ઉચ્ચ અદાલતમાં કાનૂની સંગ્રામ છેડશે. નોંધનીય છે કે CJP નેતાઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને મતદાર યાદીઓના વિશેષ સઘન સંશોધન (SIR) ની પ્રક્રિયાનો સખત વિરોધ કરી રહ્યા છે અને તેમનો આરોપ છે કે આ પ્રક્રિયા દ્વારા આમ જનતાના મતાધિકારને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
