News of Thursday, 26th November 2026
ઓક્સફર્ડ યુનિયનમાં વ્યાખ્યાન આપવા લંડન જઈ રહેલા CJPના સહ-સંયોજક સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર અટકાવાયા: મહારાષ્ટ્ર પોલીસની વિનંતી પર ‘લુક આઉટ સર્ક્યુલર’ જારી કરાયો હોવાની કેન્દ્ર સરકારની હાઈકોર્ટમાં જાણ
પાસપોર્ટમાં જન્મસ્થળ અને પિતાના નામની વિગતોમાં વિસંગતતાઓ અંગે તપાસ ચાલુ હોવાથી મુસાફરી પર પ્રતિબંધ; ચેન્નાઈ પાસપોર્ટ ઓફિસે 'શો-કોઝ નોટિસ' ફટકારી, દિલ્હી હાઈકોર્ટમાં 9 ડિસેમ્બરે આગામી સુનાવણી

નવી દિલ્હી, તા. ૨૬: ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સહ-સંયોજક સૌરવ દાસને યુનાઇટેડ કિંગડમ (UK) જતાં અટકાવવાના મામલે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. કેન્દ્ર સરકારે ગુરુવારે કોર્ટને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસની વિનંતી પર સૌરવ દાસ વિરુદ્ધ 'લુક આઉટ સર્ક્યુલર' (LOC) જારી કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે 23 નવેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ દાસને લંડન જતી ફ્લાઇટમાં બેસતા અટકાવ્યા હતા, જેની સામે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જસ્ટિસ અમિત મહાજનને માહિતી આપી હતી કે આ LOC 22 અને 23 નવેમ્બરે જારી કરાયો હતો. બીજી તરફ, સૌરવ દાસના વરિષ્ઠ વકીલ અખિલ સિબલે દલીલ કરી હતી કે તેમના અસીલને આ સર્ક્યુલર વિશે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી. જોકે, સરકારી વકીલે સ્પષ્ટ કર્યું કે દાસની કાનૂની ટીમ સ્વતંત્ર રીતે આ વિગતો મેળવીને તેને પડકારી શકે છે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી 9 ડિસેમ્બરના રોજ મુલતવી રાખી છે.
ઉલ્લેખનીય છે કે સૌરવ દાસ પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિયન ખાતે 'કોકરોચ મૂવમેન્ટ' વિષય પર વ્યાખ્યાન આપવા માટે લંડન જઈ રહ્યા હતા. આ મુસાફરી પ્રતિબંધો પાછળ મુખ્યત્વે તેમના પાસપોર્ટની વિગતોમાં રહેલી કથિત વિસંગતતાઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા મુજબ, ચેન્નાઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય (RPO) દ્વારા 23 નવેમ્બરે દાસને કારણ દર્શાવો નોટિસ (Show-cause Notice) પાઠવી 7 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે અને જ્યાં સુધી જવાબ રજૂ ન થાય ત્યાં સુધી પાસપોર્ટનો ઉપયોગ ન કરવા સલાહ અપાઈ છે.
કેન્દ્ર સરકારે કોર્ટમાં એવી પણ રજૂઆત કરી હતી કે 20 ઓગસ્ટે પુડુચેરી પોલીસ દ્વારા દાસના જન્મસ્થળ, શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, સરનામું અને માતા-પિતાની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને પાસપોર્ટ અરજી ફોર્મમાં પિતાનું નામ લખવાની કોલમ ખાલી રાખવાના નિર્ણય પર અધિકારીઓએ સવાલો ઉઠાવ્યા છે. સરકારી વકીલના મતે આ વિસંગતતાઓ દાસની ભારતીય નાગરિકતા પર પણ અસર કરી શકે છે, અને આ અંગેની એક અલગ અરજી મદ્રાસ હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
