<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

મુંબઈમાં ઈડીની ત્રણ મહત્વપૂર્ણ ઓફિસો પર સીઆઈએસએફનું અભેદ્ય સુરક્ષાકવચ: ૪૫ જવાનોની ટુકડીએ મોરચો સંભાળ્યો!

વરલી અને મઝગાંવ સ્થિત કાર્યાલયોની સુરક્ષા હવે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના હવાલે: દેશભરમાં ઈડીની ૨૦ ઓફિસો સુધી વિસ્તર્યો સુરક્ષાઘેરો

મુંબઈ : દેશની પ્રમુખ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની મુંબઈ સ્થિત અતિ સંવેદનશીલ ઓફિસોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવી દેવામાં આવી છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના ૪૫ સશસ્ત્ર જવાનોની વિશેષ ટુકડીએ મુંબઈમાં ઈડીની ત્રણ મુખ્ય ઓફિસોની સુરક્ષાનો કમાન્ડ સત્તાવાર રીતે સંભાળી લીધો છે.

 

જે ત્રણ કાર્યાલયોને સીઆઈએસએફનું કડક સુરક્ષાકવચ પૂરું પાડવામાં આવ્યું છે, તેમાં વરલીના પ્રતિષ્ઠિત સીજે હાઉસ ખાતે આવેલી વેસ્ટર્ન રિજન ઓફિસ અને એમબીઝેડઓ-૨ (MBZO-2) તેમજ મઝગાંવના નિર્માણ ભવન સ્થિત ઓફિસનો સમાવેશ થાય છે. સીઆઈએસએફ યુનિટ એમપીએ મુંબઈના સિનિયર કમાન્ડન્ટ ધીરજકુમાર સિંહની સીધી દેખરેખ હેઠળ સોમવારથી જવાનોને આ ત્રણેય સ્થળોએ તહેનાત કરી દેવાયા છે.

 

દેશભરમાં સુરક્ષા વ્યાપ વધારતી સીઆઈએસએફ

 

સીઆઈએસએફ દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, મુંબઈની આ ત્રણ ઓફિસોના સમાવેશ સાથે હવે દેશભરમાં ઈડીની કુલ ૨૦ ઓફિસો સીઆઈએસએફની કડક સુરક્ષા હેઠળ આવી ગઈ છે. આ પહેલાં દેશની ૧૭ ઈડી ઓફિસોમાં સીઆઈએસએફના જવાનો તહેનાત હતા.

 

તહેનાત કરાયેલા તમામ જવાનોને પ્રવેશ નિયંત્રણ (Access Control), સમગ્ર પરિસરની ચોકસાઈપૂર્વકની સુરક્ષા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, જવાનોને શિસ્ત, ઉચ્ચ સ્તરની સતર્કતા અને વ્યવસાયિક આચરણના ધોરણો જાળવી રાખીને સુરક્ષા પ્રદાન કરવાના નિર્દેશ અપાયા છે.

 

(7:07 PM IST)