તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
સિપ્લાને મોટો ઝાટકો: પેકેજિંગ, સ્ટોરેજ અને રેકોર્ડ્સમાં ગંભીર ખામીઓ બદલ મહારાષ્ટ્ર FDA એ પુણે સ્થિત વેરહાઉસનું ડ્રગ લાયસન્સ રદ કર્યું!
બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો બાદ લેવાયો સ્વતંત્ર નિયમનકારી નિર્ણય: 'રિએક્ટિન પ્લસ' ટેબ્લેટ્સના અનધિકૃત પેકેજિંગ અને સ્ટોરેજના ગંભીર ઉલ્લંઘન બાદ મહારાષ્ટ્ર એફડીએની આકરી કાર્યવાહી

મુંબઈ : દવા નિર્માતા ક્ષેત્રની જાણીતી કંપની સિપ્લા ફાર્મા એન્ડ લાઈફ સાયન્સિસ લિમિટેડ સામે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ એક મોટું અને આકરું પગલું ભર્યું છે. કાયદાકીય નિયમો, પેકેજિંગ, સંગ્રહ અને રેકોર્ડ મેનેજમેન્ટમાં ગંભીર અનિયમિતતાઓ અને ઉલ્લંઘનો માલૂમ પડ્યા બાદ એફડીએ દ્વારા સિપ્લાના પુણેના વાડકી સ્થિત 'કેરીંગ એન્ડ ફોરવર્ડિંગ' (C&F) વેરહાઉસના દવાના વેચાણ અને વિતરણ સંબંધિત તમામ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે.
હાઈકોર્ટના આદેશ બાદ નવી સુનાવણી અને આખરી નિર્ણય
બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરીને મહારાષ્ટ્ર એફડીએ દ્વારા આ નવો અને સ્વતંત્ર આદેશ પસાર કરવામાં આવ્યો છે. આ અગાઉ ૨૭ ઓગસ્ટના રોજ પણ આ સુવિધા સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટના વલણ બાદ અગાઉનો આદેશ પાછો ખેંચીને ૪ સપ્ટેમ્બરના રોજ કંપનીને નવી 'શો-કોઝ નોટિસ' આપવામાં આવી હતી. ૧૧ સપ્ટેમ્બરે સિપ્લાના લેખિત ખુલાસા અને ૨૧ સપ્ટેમ્બરના રોજ અપાયેલી વ્યક્તિગત સુનાવણી બાદ કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ૧ ઓક્ટોબરે આખરી રદબાતલનો આદેશ જારી કરાયો હતો.
'રિએક્ટિન પ્લસ'નું વિવાદિત પેકેજિંગ અને ખોટી બ્રાન્ડિંગ
આ સમગ્ર વિવાદના મૂળમાં 'રિએક્ટિન પ્લસ' (Reactin Plus) નામની દવા છે, જે 'શેડ્યૂલ H' હેઠળ આવતી ડોક્ટરની સલાહ મુજબ જ અપાતી પ્રિસ્ક્રિપ્શન દવા છે. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે દવાના પેકેજિંગ પર માથાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, પીઠનો દુખાવો અને દાંતના દુખાવા જેવી બાબતોમાં રાહત આપતા હોવાના અનધિકૃત દાવા અને ચિત્રો છાપવામાં આવ્યા હતા. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ હેઠળ આ પ્રકારનું પ્રમોશનલ પેકેજિંગ ખોટી બ્રાન્ડિંગ (Misbranding) નો ગુનો બને છે.
વેરહાઉસમાં ધૂળ, એક્સપાયરી દવાઓ અને સ્વચ્છતાનો અભાવ
એફડીએના નિરીક્ષણ દરમિયાન વેરહાઉસમાં અનેક ભૌતિક ખામીઓ સામે આવી હતી. દવાઓના બોક્સ પેલેટ્સ કે રેક્સ પર મૂકવાને બદલે સીધા જમીન (ફ્લોર) પર રાખવામાં આવ્યા હતા. સ્ટોક પર ધૂળ જમેલી હતી અને સ્વચ્છતા અત્યંત નબળી હતી. આ ઉપરાંત, મુદત પૂરી થઈ ગયેલી (Expired) દવાઓ માટે અલગથી 'નોટ ફોર સેલ' ઝોન બનાવવામાં આવ્યો નહોતો અને કમ્પ્યુટરાઈઝ્ડ રેકોર્ડ તથા પ્રત્યક્ષ ભૌતિક સ્ટોક વચ્ચે ભારે વિસંગતતાઓ જોવા મળી હતી.
દવાઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં: તુકારામ મુંઢે
એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "અમારો હેતુ માત્ર દંડાત્મક કાર્યવાહી કરવાનો નથી, પરંતુ સપ્લાય ચેઈનમાં દવાઓની ગુણવત્તા, સુરક્ષા અને નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવાનો છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર સોફ્ટવેર કે કમ્પ્યુટરમાં રેકોર્ડ જાળવવાથી કોઈપણ કંપની ભૌતિક સ્ટોક અને કાયદાકીય જવાબદારીઓમાંથી મુક્ત થઈ શકતી નથી.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
