News of Tuesday, 15th September 2026
કર્ણાટકમાં અનામત અને ધર્મપરિવર્તન કાયદા મુદ્દે ખ્રિસ્તી સમુદાય આક્રમક: કોંગ્રેસ હાઈકમાન્ડ મલ્લિકાર્જુન ખડગે સાથે બેંગલુરુમાં યોજાઈ હાઈપ્રોફાઈલ બેઠક!
ધર્મપરિવર્તન-વિરોધી કાયદો રદ કરવા અને ૧% અલગ અનામત ક્વોટા આપવા આર્કબિશપ પીટર મચાડોની આગેવાનીમાં રજૂઆત; વિધાન પરિષદમાં વધુ પ્રતિનિધિત્વની માંગ

બેંગલુરુ : કર્ણાટકમાં ધાર્મિક સ્વતંત્રતા અને અનામતના મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો છે. બેંગલુરુના આર્કબિશપ પીટર મચાડોના નેતૃત્વમાં ખ્રિસ્તી સમુદાયના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે એઆઈસીસી (AICC) પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગે સાથે મહત્વની મુલાકાત કરી હતી. આ બેઠકમાં પ્રતિનિધિમંડળે ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન લાવવામાં આવેલો ધર્મપરિવર્તન-વિરોધી કાયદો તુરંત રદ કરવા અને રાજ્યમાં ખ્રિસ્તી સમુદાય માટે ૧% અલગ અનામત ફાળવવાની મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈની સરકાર દ્વારા પસાર કરવામાં આવેલો 'કર્ણાટક પ્રોટેક્શન ઓફ રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ, ૨૦૨૨' લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયમાં ભારે અસંતોષનું કારણ બન્યો છે. આ કાયદા હેઠળ બળજબરીથી કે લાલચ આપીને કરાવાતા ધર્મપરિવર્તન પર ૩ થી ૫ વર્ષની જેલ અને ₹૨૫,૦૦૦ના દંડની જોગવાઈ છે. આર્કબિશપની કચેરી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, પ્રતિનિધિમંડળે આ કાયદો બંધારણે આપેલા ધાર્મિક સ્વતંત્રતા અને ધર્મપ્રચારના મૂળભૂત અધિકારો પર ત્રાપ સમાન હોવાની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત, ખ્રિસ્તી સમુદાયના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને ધ્યાનમાં રાખીને પછાત વર્ગ શ્રેણી હેઠળ અલગ ૧% અનામત આપવાની પણ જોરદાર અપીલ કરવામાં આવી હતી. હાલમાં ખ્રિસ્તીઓ 'કેટેગરી-૩બી' હેઠળ લિંગાયતો સહિત અન્ય પાંચ સમુદાયો સાથે ૫% અનામત વહેંચે છે. પ્રતિનિધિમંડળે રાજ્ય વિધાન પરિષદ (MLC) તથા વિવિધ સરકારી બોર્ડ અને નિગમોમાં પણ ખ્રિસ્તી સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ કરી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિનિધિમંડળની તમામ માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળીને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
