તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
જયપુરમાં ચિઠ્ઠી વિવાદે પકડ્યું જોર: કલામ એકેડેમીના શિક્ષકે વિદ્યાર્થીને માર્યા તમાચા, સંસ્થા બહાર ચક્કાજામ
ક્લાસરૂમમાં 'બલિદાન' લખેલી પર્ચી મળતા ગુસ્સે ભરાયેલા પ્રવીણ દાન ચારણે ધોળા દિવસે ઢેબરા વગાડતા વિધાર્થીઓનો રોષ ભભૂક્યો

જયપુર : રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલી જાણીતી કલામ એકેડેમીમાં એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં નિર્દયતાથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે. કાગળની એક નાનકડી ચિઠ્ઠી પર લખેલા વાક્યથી ગુસ્સે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થી પર ઉપરાછાપરી તમાચા ઝીંકી દેતાં સેંકડો વિદ્યાર્થીઓ ન્યાય માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ ઘટનાએ શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. વર્ગખંડમાં નિયમિત લેક્ચર દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેનો ક્લાસમાં બેઠેલા અન્ય વિદ્યાર્થી દ્વારા ઉતારાયેલો વીડિયો આગની જેમ ફેલાઈ ગયો હતો.
મળતી પ્રાથમિક વિગતો મુજબ, આ સમગ્ર વિવાદ એક નાનકડી કાગળની ચિઠ્ઠીથી શરૂ થયો હતો જ્યાં ક્લાસરૂમમાં 'કલામ બલિદાન માંગે છે' લખેલી એક પર્ચી સામે આવતાં ભણાવી રહેલા શિક્ષક પ્રવીણ દાન ચારણ પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા. આક્રોશમાં આવીને શિક્ષકે એક વિદ્યાર્થીને શંકાના આધારે બોલાવીને ગાલ પર ઉપરાછાપરી અનેક તમાચા ચોડી દીધા હતા અને વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થી માત્ર બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એક પ્રતિષ્ઠિત સંસ્થામાં વિદ્યાર્થીઓનું યોગ્ય માર્ગદર્શન કરવાને બદલે આવા હિંસક આચરણથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય તથા અસંતોષ ફેલાયો હતો.
ઘટનાની જાણ અન્ય બેચના વિદ્યાર્થીઓને થતાં મોટી સંખ્યામાં યુવાનો કલામ એકેડેમીના ગેટ બહાર એકઠા થઈ ગયા હતા અને સંસ્થા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ચક્કાજામ કરી દીધો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સંસ્થા પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિદ્યાર્થીઓનો ઉગ્ર આક્રોશ અને સોશિયલ મીડિયા પર સંસ્થાની શાખ પર ઉઠેલા ગંભીર પ્રશ્નો બાદ મેનેજમેન્ટે કડક પગલાં લેતા શિક્ષક પ્રવીણ દાન ચારણને તાત્કાલિક અસરથી સંસ્થામાંથી કાયમ માટે બરતરફ કરી દીધા છે.
આ ઘટનાના પગલે શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને શિક્ષકોના વર્તન અંગે ગંભીર સવાલો ઊભા થયા છે, જ્યારે વિદ્યાર્થી સંગઠનો આ મામલે શિક્ષક વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ કડક દંડાત્મક પગલાં લેવાની માગ પર અડગ રહ્યા છે. વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આ સમગ્ર માક્રણની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી અમાનવીય ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
