<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ઢાકાની ઝૂંપડપટ્ટીને 'દિલ્હી' બતાવી રહ્યા છે ચાઈનીઝ વ્લોગર્સ! ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દુષ્પ્રચારના મોટા ષડયંત્રનો પર્દાફાશ

બાંગ્લાદેશની રાજધાનીમાં 150 થી વધુ ચીની નાગરિકો આઈફોન અને કૂલિંગ ફેન સાથે કલાકો સુધી લાઈવસ્ટ્રીમિંગ કરી ભારત વિરુદ્ધ ફેલાવી રહ્યા છે જૂઠાણાં : વીચેટ અને ડોયિન પર ફેક કન્ટેન્ટ પીરસી ભારતીયોનું અપમાન કરવાનો પર્દાફાશ

ઢાકા  : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અંદાજે 150 જેટલા ચીની નાગરિકો ભારત વિરુદ્ધ એક મોટું આંતરરાષ્ટ્રીય ડિજિટલ ષડયંત્ર ચલાવી રહ્યા છે. બાંગ્લાદેશી અખબાર 'પ્રોથમ આલો' અને 'ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ' ના સનસનીખેજ અહેવાલો મુજબ, આ ચીની વ્લોગર્સ ઢાકાના અત્યંત પછાત અને ઝૂંપડપટ્ટી ધરાવતા વિસ્તારોનું શૂટિંગ કરીને તેને ચીની સોશિયલ મીડિયા પર ભારતના પાટનગર નવી દિલ્હી તરીકે દર્શાવી રહ્યા છે. ચીનના લાખો યુઝર્સ સુધી ભારતની નકારાત્મક, ગંદી અને દયનીય છબી ઊભી કરવા માટે આ સુઆયોજિત દુષ્પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાની પ્રબળ આશંકા છે.

ચીની વ્લોગર્સ ઢાકાના તેકપારા અને ઉત્તરા જેવા ગરીબ વિસ્તારોની સાંકડી ગલીઓમાં કલાકો સુધી રખડીને વીચેટ (WeChat), ડોયિન (Douyin), બિલીબિલી અને યુકુ જેવા ચાઈનીઝ પ્લેટફોર્મ પર લાઈવસ્ટ્રીમિંગ કરી રહ્યા છે. શૂટિંગ દરમિયાન તેઓ ભારતીયો વિરુદ્ધ અત્યંત અપમાનજનક અને કંગાળ કક્ષાની ટિપ્પણીઓ કરે છે. 'મિયાંમિયાં' નામના એક ચીની વ્લોગરે લાઈવ પ્રસારણમાં ગંદા ઘરો અને ટીનની છતો બતાવીને કહ્યું હતું કે, "આ નવી દિલ્હી છે, અહીં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ છે." એટલું જ નહીં, અન્ય એક વ્લોગરે સ્થાનિક ચાની દુકાન પર ઊભા રહીને ત્યાંની ચા 'ગૌમૂત્ર' માંથી બને છે તેવો અત્યંત વાંધાજનક દાવો કર્યો હતો, જ્યારે કેટલીક ચીની મહિલાઓ ભારતમાં પરણેલી હોવાના જૂઠા નાટકો પણ કરી રહી છે.

આ ચીની નાગરિકો હાઇ-ટેક આઇફોન અને કૂલિંગ ફેન સાથે સજ્જ થઈને છેલ્લા કેટલાક મહિનાઓથી આ કામગીરી કરી રહ્યા છે. તેઓ સ્થાનિક લોકોની પરવાનગી વગર તેમના ઘરો, રસોડાં અને બાથરૂમ સુધી ઘૂસી જઈને તેમની પ્રાઈવસીનો પણ ભંગ કરે છે. સ્થાનિક ગાઈડ અને મહિલાઓને દરરોજ 500 થી 1,000 ટાકા આપીને પોતાની સાથે રાખવામાં આવે છે જેથી કોઈ વિરોધ ન થાય. આ સમગ્ર વિસ્ફોટક મામલો સામે આવ્યા બાદ ઢાકાના ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે અને વિગતો ઉચ્ચ અધિકારીઓને સોંપી છે. ભારતીય અને બાંગ્લાદેશી સુરક્ષા એજન્સીઓ હવે આ પ્રવૃત્તિ પાછળ ચીનની ગુપ્તચર એજન્સીઓ કે ચોક્કસ ગિરોહનો હાથ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

(6:12 PM IST)