તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ભારતને પૂર્વ સરહદેથી ઘેરવાની ચીનની નવી ચાલ? પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ-મ્યાંમાર આર્થિક કોરિડોર: બંગાળની ખાડીમાં પ્રભાવ વધારવાની કવાયત
ભારતના તમામ પડોશી દેશોમાં ચીનનો જબરો પગપેસારો

બેજિંગ: ચીને પાકિસ્તાન પછી હવે બાંગ્લાદેશ અને મ્યાંમારને જોડતા નવા આર્થિક કોરિડોરને આગળ ધપાવવાની તૈયારી દર્શાવી છે. ચીનના રાજદૂતે આ કોરિડોરને ભારત સહિત અન્ય દેશો માટે પણ ખુલ્લો હોવાનું કહ્યું છે, પરંતુ હાલની યોજના ત્રણ દેશો વચ્ચે આગળ વધારવાની છે. વિશ્લેષકોના મતે આ કોરિડોર ચીનને બંગાળની ખાડી સુધી સીધી પહોંચ અને દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક લાભ આપી શકે છે, જ્યારે ભારત માટે તેની સુરક્ષા અને પ્રાદેશિક પ્રભાવના દૃષ્ટિકોણે નવા પડકારો ઊભા થઈ શકે છે.
ચીન અગાઉથી પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર દ્વારા અરબી સમુદ્ર સુધી પહોંચ મજબૂત બનાવી રહ્યું છે. હવે કૂનમિંગથી મ્યાંમાર થઈ બાંગ્લાદેશના બંદરો સુધીના પ્રસ્તાવિત કોરિડોરને નવી ગતિ આપવામાં આવી રહી છે. બેલ્ટ એન્ડ રોડ પહેલના ભાગરૂપે આ માર્ગ વેપાર, પરિવહન અને રોકાણ વધારવાના હેતુથી રજૂ કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કોરિડોર માત્ર દેશના રાષ્ટ્રીય હિતમાં હશે તો જ આગળ વધારાશે. બીજી તરફ ચીને ભારત ઇચ્છે તો ભવિષ્યમાં જોડાઈ શકે તેમ હોવાનું પણ જણાવ્યું છે. તેમ છતાં અનેક વ્યૂહાત્મક વિશ્લેષકોનું માનવું છે કે ભારતને પૂર્વીય સરહદે વધતી ચીની હાજરી, મ્યાંમારના ક્યોકફ્યૂ બંદર, તેલ-ગેસ પાઇપલાઇન અને બંગાળની ખાડીમાં વધતી સક્રિયતા પર નજીકથી નજર રાખવી પડશે.
ભારત પણ ગ્રેટ નિકોબાર સહિતના પોતાના વ્યૂહાત્મક પ્રોજેક્ટોને ઝડપથી આગળ ધપાવી રહ્યું છે. બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં વધતી સ્પર્ધાને કારણે સમગ્ર વિસ્તારનું ભૂરાજકીય મહત્વ સતત વધી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં આ વિસ્તાર એશિયાની સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્પર્ધાનું કેન્દ્ર બની શકે છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
