તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ચીનની નવી ચાલાકી 'ગ્રે-ઝોન' ગેમ પ્લાન: પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેની ચેતવણી - ભારતે હવે 'સશસ્ત્ર સહઅસ્તિત્વ' માટે તૈયાર રહેવું પડશે!
ચીન સીધા યુદ્ધને બદલે લશ્કરી દબાણ અને તકની રાહ જોવાની નીતિ અપનાવી રહ્યું છે. વિજય ગોખલેના નવા પુસ્તકમાં ડ્રેગનની મેલી મુરાદનો ખુલાસો: ભારતને દક્ષિણ એશિયા પૂરતું મર્યાદિત રાખવાનું ષડયંત્ર.

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ અને વ્યૂહાત્મક ખેંચતાણ વચ્ચે દેશના ભૂતપૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેએ એક અત્યંત મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ચીન સાથેના ભારતના સંબંધો હવે એક નવા જ તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે, જેને તેમણે "સશસ્ત્ર સહઅસ્તિત્વ" (Armed Coexistence) તરીકે ઓળખાવ્યું છે. ગોખલેના મતે, ચીન ભારત સાથે સીધા પૂરજોશ યુદ્ધમાં ઉતરવાને બદલે સતત 'ગ્રે-ઝોન' (Grey-Zone) નીતિ અને લશ્કરી દબાણ દ્વારા પોતાનો સ્વાર્થ સાધવાની કોશિશ કરી રહ્યું છે.
'ચાઇનાઝ વોર્સ' પુસ્તકમાં ડ્રેગનની રણનીતિનો પર્દાફાશ
ભૂતપૂર્વ વિદેશ સચિવે તેમના નવા પુસ્તક "ચાઇનાઝ વોર્સ: ધ પોલિટિક્સ એન્ડ ડિપ્લોમસી બિહાઇન્ડ ઇટ્સ મિલિટરી પ્રેશર" માં ચીનની સૈન્ય વ્યૂહરચનાનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. એક વિશેષ વાતચીત દરમિયાન તેમણે સમજાવ્યું કે ચીન એક અત્યંત તકવાદી દેશ છે. તે સીધા યુદ્ધમાં જોડાવાને બદલે યોગ્ય વ્યૂહાત્મક તકની રાહ જુએ છે, પૂર્વ-આયોજિત લશ્કરી ઉશ્કેરણી કરે છે અને ત્યારબાદ વૈશ્વિક મંચ પર પોતે જ બચાવ પક્ષમાં હોવાનું નાટક રચે છે.
પશ્ચિમ કરતાં અલગ છે ચીનની 'ડિટરન્સ' નીતિ
વિજય ગોખલેએ ભારપૂર્વક જણાવ્યું કે ચીનની રોકથામ (Deterrence) નીતિ પશ્ચિમી દેશો કરતાં સાવ અલગ છે. પશ્ચિમી દેશો તણાવ અટકાવવા બદલાની ક્ષમતા દર્શાવે છે, જ્યારે ચીન સતત નાની-મોટી ઘૂસણખોરી અને દબાણ ઊભું કરીને સામે પક્ષને નબળો પાડવા માંગે છે. ચીનનો મુખ્ય હેતુ ભારતને માત્ર દક્ષિણ એશિયાના પ્રાદેશિક રાજકારણ સુધી જ મર્યાદિત રાખવાનો છે જેથી તે વૈશ્વિક સ્તરે ચીનને પડકાર આપી ન શકે.
પૂર્ણ કક્ષાનું યુદ્ધ નકારાઈ ન શકાય
તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાનું યુદ્ધ થવાની શક્યતા ઓછી છે પરંતુ તેને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. ભવિષ્યમાં શિનજિયાંગ કે તાઇવાન જેવા મુદ્દે અથવા ચીનમાં શી જિનપિંગ પછી ઊભી થનારી રાજકીય અનિશ્ચિતતા વૈશ્વિક આર્થિક આંચકા કે લશ્કરી સાહસ તરફ દોરી શકે છે. તેથી ભારતે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરહદ પર પોતાની સૈન્ય ક્ષમતા અને સતર્કતા સતત જાળવી રાખવી પડશે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
