News of Saturday, 7th November 2026
વિદેશમાં ચીનની અદ્રશ્ય 'ગુપ્ત પોલીસ : ૯૧ દેશોમાં ૧,૨૫૦ ગેરકાયદેસર કેન્દ્રોનું જાસૂસી નેટવર્ક પકડાયું
સ્પેન સ્થિત માનવાધિકાર સંગઠન 'સેફગાર્ડ ડિફેન્ડર્સ'ના ચોંકાવનારા રિપોર્ટમાં દાવો : ૬ કરોડ વિદેશી ચીની નાગરિકો પર નજર રાખવા અને લોકશાહી દેશોમાં પ્રભાવ વધારવા શિ જિનપિંગનું "જાદુઈ હથિયાર" UFWD સક્રિય

ઓટાવા: વિશ્વભરના લોકશાહી દેશોમાં પોતાની લશ્કરી અને આર્થિક તાકાતનો અસુરક્ષિત પ્રભાવ જમાવવાનો પ્રયાસ કરી રહેલા ચીનના એક સનસનાટીપૂર્ણ અને અત્યંત ખતરનાક ગેરકાયદેસર જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. સ્પેન સ્થિત આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન 'સેફગાર્ડ ડિફેન્ડર્સ' દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા નવો બોમ્બશેલ રિપોર્ટ "એ ફોર્મ્યુલા ફોર રિપ્રેશન" દર્શાવે છે કે ચીને વિશ્વના ૯૧ દેશોમાં અંદાજે ૧,૨૫૦ થી વધુ સાંસ્કૃતિક અને સમુદાય સંગઠનોની આડમાં પોતાની ગેરકાયદેસર 'ઓવરસીઝ પોલીસ સ્ટેશનો'નું નેટવર્ક ઊભું કરી દીધું છે. આ નેટવર્કનો મુખ્ય હેતુ વિદેશમાં સ્થાયી થયેલા ૬ કરોડથી વધુ ચીની નાગરિકો, રાજકીય વિરોધીઓ અને પશ્ચિમી દેશોના રાજકારણ પર ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) નો દબદબો જાળવી રાખવાનો છે.
અહેવાલ મુજબ, આ સમગ્ર કાળા કારોબાર અને જાસૂસી સામ્રાજ્ય પાછળ ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગનું સૌથી વિશ્વાસુ અને શક્તિશાળી સાધન એટલે કે 'યુનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ' (UFWD) કામ કરી રહ્યું છે, જેને જિનપિંગે પોતે નાગરિકોના નિયંત્રણ માટેનું "જાદુઈ હથિયાર" ગણાવ્યું હતું. વર્ષ ૨૦૨૨ માં જ્યારે આ ગેરકાયદેસર પોલીસ ચૌકીઓનો પર્દાફાશ થયો હતો, ત્યારે સાઇનબોર્ડ અને સત્તાવાર નામો હટાવીને આ કેન્દ્રોને છૂપી રીતે સાંસ્કૃતિક વિનિમય, ટૂરિઝમ પ્રોમોશન અને વેપારી મંડળોના બહાના હેઠળ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ચીનના ૫ પ્રાંતોની ૧૦ થી વધુ સુરક્ષા અને પ્રોસિક્યુશન એજન્સીઓ સીધી રીતે આ વિદેશી સંગઠનો મારફતે પોતાનું ગેરકાયદેસર કંટ્રોલ નેટવર્ક ચલાવી રહી હોવાનો અહેવાલમાં દાવો કરાયો છે.
આ આંતરરાષ્ટ્રીય જાસૂસી કૌભાંડમાં કેનેડા સૌથી મોટો અડ્ડો બનીને સામે આવ્યું છે, જ્યાં ઓછામાં ઓછા ૧૮ સંગઠનો અદ્રશ્ય પોલીસ મથકો તરીકે કામ કરી રહ્યા છે, જ્યારે UFWD સાથે જોડાયેલી ૫૭૫ થી વધુ સંસ્થાઓની ઓળખ થઈ ચૂકી છે. આ ચોંકાવનારા સનસનાટીપૂર્ણ ખુલાસા બાદ કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ કાયદાકીય તપાસ શરુ કરી છે. સાંસદો અને રાજદ્વારીઓએ આ મામલે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ પ્રવૃત્તિઓ વિદેશી દેશોના નાગરિકોના અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મુક્ત મતદાનના લોકશાહી અધિકારો પર સીધો ઘાટ છે, જેનાથી પશ્ચિમી દેશોની રાષ્ટ્રીય સુરક્ષા સામે એક નવું અભૂતપૂર્વ સંકટ ઊભું થયું છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
