તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
આંતરરાષ્ટ્રીય મંચ પર ચીનની કરતૂત: સ્પીચ વચ્ચે જ ફિલિપાઇન્સના સંરક્ષણ મંત્રીને મોકલી ચિઠ્ઠી, મંત્રીએ સ્ટેજ પરથી જ ચીનને બરાબરનું સંભળાવી દીધું!
સિઓલ ડિફેન્સ ડાયલોગમાં ચાઇનીઝ એટેચીની ગેરવર્તણૂક; સંરક્ષણ મંત્રી ગિલબર્ટો ટીઓડોરોએ લાઇવ સ્ટેજ પરથી જ ચિઠ્ઠી વાંચી સંભળાવી કહ્યું - "ચીન લાચાર અને હતાશ થઈ ગયું છે"

સિઓલ : દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં યોજાયેલા ‘સિઓલ ડિફેન્સ ડાયલોગ’ દરમિયાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક અભૂતપૂર્વ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફિલિપાઇન્સના સંરક્ષણ મંત્રી ગિલબર્ટો ટીઓડોરો (Gilberto Teodoro) સ્ટેજ પરથી સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ ચીની દૂતાવાસ તરફથી તેમને દક્ષિણ ચીન સાગરના વિવાદ અંગેની એક ચિઠ્ઠી (નોટ) સોંપવામાં આવી હતી. આ ઘટનાથી સહેજ પણ વિચલિત થયા વિના ફિલિપાઇન્સના સંરક્ષણ મંત્રીએ તુરંત જ તે ચિઠ્ઠી સમગ્ર ઓડિયન્સ સામે મોટેથી વાંચી સંભળાવી હતી અને સ્ટેજ પરથી જ ચીનનો પર્દાફાશ કર્યો હતો.
સ્ટેજ પર ચિઠ્ઠી વાંચીને ચીનનો ઉધડો લીધો:
ઘટનાની વિગત અનુસાર, સંરક્ષણ મંત્રીનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે આયોજકોની ભૂલથી ચીની લશ્કરી અધિકારી દ્વારા મોકલાયેલી ચિઠ્ઠી તેમના ટેબલ પર મૂકવામાં આવી હતી. આ નોટમાં ચીને દક્ષિણ ચીન સાગર પર પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો હતો અને ૨૦૧૬ ના આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલના ચૂકાદાને ગેરકાયદે ગણાવ્યો હતો. ચિઠ્ઠી વાંચતાની સાથે જ ટીઓડોરોએ ચીનના દાવાઓને ફગાવી દેતા સ્પષ્ટ કહ્યું કે, "ચીન પાસે કોઈ કાનૂની સ્ટેન્ડ કે સ્થિતિ જ નથી!"
"ચીનની આ હરકત શરમજનક અને દાદાગીરી સમાન:"
ફિલિપાઇન્સના સંરક્ષણ મંત્રીએ આ ઘટનાને ચીનની હતાશા અને દાદાગીરી ગણાવતા ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર આ પ્રકારે સ્પીચ દરમિયાન નોટ મોકલવી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું જ નહીં પરંતુ કાર્યક્રમનું આયોજન કરનાર યજમાન દેશ દક્ષિણ કોરિયા અને ઉપસ્થિત મહેમાનોનું પણ મોટું અનાદર છે. તેમણે ચિઠ્ઠી બતાવીને કહ્યું કે, "હું આ કાગળનો ટુકડો યાદગીરી તરીકે સાચવી રાખીશ, જે એ વાતનો પુરાવો છે કે એક મુક્ત ઓડિયન્સ સામે ચીનની સ્થિતિ કેટલી નબળી, અસહાય અને દયાજનક બની ગઈ છે."
દરિયાઈ વિવાદ પર ચીન પર આકરા પ્રહારો:
આ ઘટના બાદ ટીઓડોરોએ દક્ષિણ ચીન સાગરમાં ચીન દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર કબ્જા અને ફિલિપાઇન્સના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કરવામાં આવતી ઘૂસણખોરી અંગે વૈશ્વિક સમુદાયનું ધ્યાન દોર્યું હતું. તેમણે કટાક્ષ કરતા ચિઠ્ઠી લાવનાર અધિકારીને કહ્યું હતું કે, "તમે તમારા દેશ માટે શ્રેષ્ઠ કામ કર્યું છે, બસ આશા રાખું છું કે આ બદલ તમને તમારા દેશમાં ગુલાગ (જેલ) માં ન ધકેલી દેવામાં આવે."
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
