તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 20th July 2026
ચીનનું $60 બિલિયનનું સપ્નું રોળાયું: બલુચિસ્તાનની જંગલી આગમાં ફસાયું પાકિસ્તાન, આતંકી હુમલા અને અલગતાવાદી ઘોષણાથી 'CPEC' બરબાદીના આરે!
ગ્વાદર બંદર ફ્લોપ થતાં અરબી સમુદ્રમાં ભારતનું વર્ચસ્વ મજબૂત બન્યું; ૧૩ જુલાઈના વાયરલ મેનિફેસ્ટો અને 'બલુચી ફાલુસ' ચલણના દાવાએ જનરલ અસીમ મુનીરની ઊંઘ હરામ કરી

નવી દિલ્હી: પાકિસ્તાનના સૌથી અશાંત અને સંસાધનોથી સમૃદ્ધ એવા બલુચિસ્તાન પ્રાંતમાં ચાલી રહેલો ગૃહયુદ્ધ જેવો માહોલ હવે ચીન અને પાકિસ્તાન બંને માટે ગળાનું હાડકું બની ગયો છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ બેઇજિંગ દ્વારા કરવામાં આવેલું અબજો ડોલરનું રોકાણ હાલમાં ઇતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. બલુચિસ્તાનમાં સતત વધી રહેલી હિંસા અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 'સ્વતંત્રતાની ઘોષણા' એ વૈશ્વિક મંચ પર સનસનાટી મચાવી દીધી છે.
૧૩ જુલાઈના ઓનલાઈન મેનિફેસ્ટોએ મચાવ્યો હડકંપ
તાજેતરમાં ૧૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બલુચ અલગતાવાદી કાર્યકરો દ્વારા ઓનલાઈન એક સત્તાવાર ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં દાવો કરાયો છે કે પ્રદેશના ૮૫% ભાગ પર બલુચ દળોએ નિયંત્રણ મેળવી લીધું છે. આ કથિત "બલુચિસ્તાન પ્રજાસત્તાક" એ પોતાનું નવું ચલણ "બલુચી ફાલુસ", નવું રાષ્ટ્રગીત અને અલગ ધ્વજ પણ રજૂ કરી દીધો છે. જો કે આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત રાષ્ટ્ર (UN) કે કોઈ દેશે આને માન્યતા આપી નથી અને પાકિસ્તાની સેના ત્યાં હજી પણ લશ્કરી કાર્યવાહી ચલાવી રહી છે, પરંતુ આ ઘટનાએ પાકિસ્તાનની આંતરિક સુરક્ષાના લીરેલીરા ઉડાડી દીધા છે.
ચીનની સોના-તાંબાની ખાણો બંધ થવાની આરે, એન્જિનિયરોમાં ફફડાટ
બલુચિસ્તાનમાં આતંકી હુમલાઓ એટલા તીવ્ર બન્યા છે કે ચીનની સરકારી માલિકીની કંપની MCC દ્વારા સંચાલિત પાકિસ્તાનની સૌથી મોટી તાંબા અને સોનાની ખાણે કામકાજ બંધ કરવાની ચેતવણી આપી છે. હાઇવે પર ચીની નાગરિકોની અવરજવર અત્યંત ખતરનાક બની ગઈ છે. આ સિવાય યુએસ-ઇઝરાયેલ ભૂ-રાજકીય તણાવ અને સ્થાનિક અસુરક્ષાને કારણે $૯ બિલિયનનો મહત્વકાંક્ષી 'રેકો દિક' માઇનિંગ પ્રોજેક્ટ પણ અધ્ધરતાલ થઈ ગયો છે. ચીન હવે નવું રોકાણ કરવાને બદલે પોતાના એન્જિનિયરોના જીવ બચાવવા માટે ફાંફા મારી રહ્યું છે.
ભારત માટે કઈ રીતે લોટરી લાગી? વ્યૂહાત્મક સમીકરણો:
· CPEC ની હવા નીકળી ગઈ: આ વૈશ્વિક સ્તરે સાબિત થઈ ગયું છે કે સ્થાનિક જનતાની સંમતિ વિના દબાવપૂર્વક કરાયેલું વિદેશી રોકાણ ક્યારેય સફળ થઈ શકતું નથી.
· પાકિસ્તાન પોતાની જ આગમાં વ્યસ્ત: બલુચિસ્તાનમાં સેના રોકવી પડતી હોવાથી પાકિસ્તાન સૈન્યની તમામ ઉર્જા અને ધ્યાન આંતરિક લડાઈમાં જ વેડફાઈ જશે, જેથી ભારત સરહદે મોટી રાહત રહેશે.
· અરબી સમુદ્રમાં ભારતની બાદશાહી: ચીનનું ગ્વાદર બંદર સંપૂર્ણપણે નિષ્ફળ જતાં અરબી સમુદ્રમાં ભારતની પકડ મજબૂત થઈ છે. ભારતનું પ્રાદેશિક જોડાણ અને ઈરાનનું 'ચાબહાર બંદર' હવે ગ્વાદર કરતાં ઘણું આગળ નીકળી ગયું છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
