તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ચીન દુનિયાનો સૌથી મોટો અનાજ અને ખાતરનો ભંડાર ઉભો કરી રહ્યું છે
ચીનનો ‘સાઈલન્ટ' એટેક! યુદ્ધની આડમાં અનાજ-ખાતરની સંગ્રહખોરી, ભારત માટે ખતરાની ઘંટડી?

બીજીંગ,તા.૧૨: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. તેલની કિમતો આસમાને પહોંચી છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ કટોકટી વચ્ચે ચીન ગુપ્ત રીતે અનાજ, ખાદ્ય સામગ્રી અને ખાતરનો મોટો સ્ટોક તૈયાર કરી રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ બેન્કના પૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસે એક ઇન્ટરવ્યૂમાં ચેતવણી આપી છે કે ચીન દુનિયાનો સૌથી મોટો અનાજ અને ખાતરનો ભંડાર ઉભો કરી રહ્યું છે. તેમણે બેઇજિગમાં યોજાનારી ટ્રમ્પ અને શી જિનપિગની સમિટ પહેલા ચીનને આ જમાખોરી તાત્કાલિક બંધ કરવા અપીલ કરી છે જેથી વૈશ્વિક પુરવઠા સંકટને ઘટાડી શકાય.
ચીનના આ પગલાથી ભારત જેવા કૃષિપ્રધાન દેશોની ચિતામાં મોટો વધારો થયો છે. ચીને માર્ચ મહિનાની શરૂઆતથી જ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ ભારત જે યુરિયા ૫૧૨ ડોલર પ્રતિ ટન ખરીદતું હતું, તેની કિમત હવે વધીને ૯૫૯ ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે. એટલે કે ભારત ખાતર માટે લગભગ બમણી કિમત ચૂકવી રહ્યું છે. જો ખાતર મોંઘું થશે તો ખેતીનો ખર્ચ વધશે અને તેના કારણે અંતે ખાવા-પીવાની ચીજવસ્તુઓ મોંઘી થતા સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડશે. ભારત પહેલેથી જ ઇરાન યુદ્ધના કારણે મોંઘા ક્રૂડ ઓઇલનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે ખાતરની આ અછત ભારત પર નાણાકીય બોજ વધારી શકે છે.
નિષ્ણાતોના મતે ચીનનું આ પગલું માત્ર સુરક્ષા પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ એક મોટી વ્યુહરચના છે. ઈરાન યુદ્ધના કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ છે, જેનાથી દરિયાઈ વેપાર ઠપ થયો છે. ચીનને ડર છે કે જો લાંબા સમય સુધી આ સ્થિતિ રહેશે તો તેના દેશમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજું કારણ એ છે કે અનાજ અને ખાતર પર નિયંત્રણ મેળવીને ચીન વૈશ્વિક રાજનીતિમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. જ્યારે દુનિયામાં આ વસ્તુઓની અછત સર્જાશે ત્યારે ચીન પોતાના ભંડારનો ઉપયોગ કરીને મોટો નફો કમાઈ શકે છે અને અન્ય દેશો પર દબાણ બનાવી શકે છે.
હાલમાં યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઈરાન અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષની અસર ભારત સહિતના આયાત પર નિર્ભર દેશો પર સૌથી વધુ પડી રહી છે. ચીન દ્વારા લેવામાં આવેલા આ નિકાસબંધીના નિર્ણયને કારણે ઇંધણ અને ખાતરની સપ્લાય ખોરવાઈ ગઈ છે. આ સ્થિતિમાં હવે દુનિયાની નજર ટ્રમ્પ અને શી જિનપિગની મુલાકાત પર ટકેલી છે કે શું ચીન જમાખોરી બંધ કરીને વૈશ્વિક બજારમાં રાહત આપશે કે નહીં.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
